સિવાકાસી (તામિલનાડુ): આ વખતે દિવાળીના તહેવારમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગના મામલે અનિશ્ચિતતા હજી ચાલુ છે. સરકાર તરફથી નિર્ણયની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. તામિલનાડુનું સિવાકાસી દેશમાં ફટાકડા ઉદ્યોગનું કેન્દ્ર ગણાય છે. અહીં વર્ષ દરમિયાન આશરે રૂ. 2,500 કરોડના ફટાકડા બનાવવામાં આવે છે. પરંતુ કોરોનાવાઈરસને કારણે ઉત્પાદન 60 ટકા જેટલું ઘટી ગયું છે. ફટાકડા ઉદ્યોગ પ્રત્યે ખૂબ અણગમો પ્રવર્તે છે. એક તો, તે હવામાં પ્રદૂષણ ફેલાવે છે, તેમજ ધ્વનિ પ્રદૂષણ પણ કરે છે. તે ઉપરાંત આ ઉદ્યોગમાં બાળમજૂરોને મોટી સંખ્યામાં રોકવામાં આવે છે તેથી તે બદનામ છે. આ ઉદ્યોગમાં આશરે 3 લાખ લોકો સીધી રીતે રોજગાર મેળવે છે જ્યારે પાંચ લાખ લોકો પરોક્ષ રીતે સંકળાયેલા છે.
એક અહેવાલ મુજબ, દેશમાં બહુમતી લોકોની ઈચ્છા આ વખતે દિવાળીના તહેવારને ફટાકડા ફોડીને ઉજવવાની છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેરની દહેશત હોવાથી સરકારો સાવધાની રાખવા માગે છે. કેટલાક ઉત્પાદકો જૂના ફટાકડા કરતાં 30 ટકા ઓછા પ્રદૂષણ ફેલાવતા નવા ફટાકડા બનાવી રહ્યા છે. આ વખતની દિવાળી ભલે તેજીવાળી ન હોય, પરંતુ સાવ મંદીવાળી પણ બની ન રહે એ માટે ફટાકડા ઉત્પાદકો પ્રાર્થના કરી રહ્યા છે.