નવી દિલ્હીઃ જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોવ તો થઈ જાઓ સાવધાન. કારણ કે ઓનલાઈન શોપિંગ કરનારા લોકોને નકલી સામાન આપવામાં આવતો હોવાની મોટાપ્રમાણમાં ફરિયાદો સામે આવી છે. મોટાભાગે ઈ-કોમર્સ સાઈટો પર મોટી માત્રામાં નકલી સામાન વેચાઈ રહ્યો છે. થોડા સમય પહેલા જ કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે કે એક તૃતિયાંશ લોકોને નકલી સામાન સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.
આ સર્વેમાં શામેલ મોટાભાગના લોકોએ જણાવ્યું કે અમને પર્ફ્યુમ, પગરખાં, બેગ, અને ફેશન સાથે જોડાયેલા નકલી સામાનો મળ્યાં છે. લક્ઝરી આઈટમ્સ જેવી કે ફૂટવેર, બેગ્સ વગેરેમાં આ પ્રકારની સમસ્યા વધુ સામે આવી છે. સર્વેમાં મોટાભાગના લોકોએ જણાવ્યું કે નકલી સામાનની મળ્યા બાદ કંપનીઓને સામાન પાછો લેવો જોઈએ અથવા તો રીફંડ આપવું જોઈએ. સર્વેમાં શામેલ લોકો ઈચ્છે છે કે નકલી સામાન વેચનારી કંપનીઓને દંડ પણ કરવો જોઈએ.
જો કે આ મામલે કંપનીઓનું કહેવું છે કે નકલી સામાનોના વેચાણ પર રોક લગાવવા માટે અમે મોટા પગલા ભરી રહ્યા છીએ. વેલોસિટી અસ દ્વારા કરવામાં આવેલા અન્ય સર્વેના પરિણામો પણ ચોંકાવનારા રહ્યા. આ સર્વે અનુસાર, ઈ-કોમર્સ સાઈટો પરથી છેલ્લા છ મહિનામાં ખરીદી કરનાર દરેક ત્રીજા વ્યક્તિને નકલી સામાન મળ્યો છે. આ સર્વે કુલ 3 હજાર લોકો વચ્ચે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સર્વે એવા સમયે સામે આવ્યા છે કે જ્યારે કન્ઝ્યૂમર અફેર્સ ડિપાર્ટમેંટ ઈ-કોમર્સ સાઈટોને પોતાના ગ્રાહકો પ્રત્યે વધુ જવાબદાર બનાવવા માટેના એક ડ્રાફ્ટ પર કામ કરી રહી છે. ઈ-કોમર્સ સાઈટોના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને કન્ઝ્યૂમર અફેર્સ ડિપાર્ટમેન્ટને ઓનલાઈન શોપિંગ સિસ્ટમને વધુ ઉત્કૃષ્ઠ કરવાની કવાયતમાં છે.