સબસ્ક્રાઇબર્સને સાત-લાખનું કોરોના વીમા કવર આપતું EPFO

રાયપુરઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)  પોતાના સભ્યોને રૂ. સાત લાખ રૂપિયાના કોરોના જીવન વીમાની સુવિધા આપી રહ્યું છે. આ સંબંધમાં વધુમાં વધુ લોકોને જાગરુક કરવામાં આવે એની જરૂર છે, જેથી દાવો રજૂ કરતા સમયે વીમાની રકમ હાંસલ કરી શકે. EPFOએ EDLI (એમ્પ્લોયીઝ ડિપોઝિટ લિન્ક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ) હેઠળ વીમા કવર વધારીને રૂ. સાત લાખ કરી છે.

ખાસ વાત એ છે કે આ વીમા કવર એ કર્મચારીઓને પણ મળશે, જેમણે વર્ષની અંદર એકથી વધુ કંપનીઓમાં કામ કર્યું છે. આ ક્લેમ કર્મચારીના સ્વજન દ્વારા બીમારી, દુર્ઘટના અથવા સ્વાભાવિક મૃત્ય પર પર કરી શકાય છે. અત્યાર સુધી વીમા કવરની રકમ રૂ. 2.5 લાખ હતી. આ યોજના હેઠળ ક્લેમ કરતા સભ્ય એમ્પ્લોયીનો નોમિની હોવો જોઈએ. તે એમ્પ્લોયીની બીમારી, દુર્ઘના અથવા સ્વાભાવિક મૃત્ય પર દાવો કરી શકે છે.

EPFO કોરોના રોગચાળા સમયે રાહત આપવા માટે આ સ્કીમ લાવી છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ગ્રુપમાં કામ કરતા કર્મચારીની બેઝિક સેલરી અને DAના 12 ટકા EPFમાં જતો હોવો જોઈએ. એ સાથે 12 ટકા યોગદાન કંપની અથવા માલિક દ્વારા થવું જોઈએ. આમાં કંપનીનું 12 ટકામાંથી 8.33 ટકા એમ્પ્લોયી પેન્શન યોજના (EPS)માં જાય છે. આ રીતે EDLI સ્કીમમાં માત્ર કંપની દ્વારા પ્રીમિયમ જમા થાય છે.

EDLI સ્કીમમાં ક્લેમની ગણના કર્મચારીને મળેલી 12 મહિનાની બેઝિક સેલરી અને DAને આધારે થાય છે.