કારણ હશે લગ્ન, તો મહિલા કર્મચારીને મળશે આ લાભ…

નવી દિલ્હીઃ જો કોઈ મહિલા કર્મચારી લગ્ન કરવા માટે નોકરીમાંથી રાજીનામું આપશે તો તેને પોતાનો પીએફ ઉપાડવા માટે હવે બે મહિના સુધીની રાહ નહી જોવી પડે. મહિલા કર્મચારી નોકરી પરથી રાજીનામું આપશે કે તરત જ ક્લેમ સેટલમેન્ટ માટે અરજી કરી શકશે. એટલે કે પીએફ અકાઉન્ટમાંથી પૂરા પૈસા કાઢવા માટે નોકરી છોડ્યાંની તારીખથી બે મહિના સુધીનો વેઈટિંગ પીરિયડ મહિલા કર્મચારીઓના મામલે લાગુ નહીં થાય. ઈપીએફઓએ પોતાના મેમ્બર્સ માટે પીએફ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે.

કેન્દ્રીય શ્રમ મંત્રાલય અનુસાર એમ્પલોયઝ પ્રોવિડંડ ફંડ 1952 અંતર્ગત કોઈપણ કર્મચારી જો નોકરીમાંથી રાજીનામું અથવા તો કોઈપણ કારણોસર તેની નોકરી જાય તો તે કર્મચારી બે મહિના બાદ પોતાના પીએફના પૈસા ઉપાડવા માટે અરજી કરી શકે છે. એટલે કે પીએફ ક્લેમ સેટલમેન્ટ માટે તેણે 2 મહિના જેટલી રાહ તો અનિવાર્યપણે જોવી જ પડે. પરંતુ જો કોઈ મહિલા કર્મચારી લગ્ન કરવાના કારણોસર રાજીનામુ આપે તો તેના મામલામાં આ નિયમ લાગુ નહી થાય.

તાજેતરમાં જ ઈપીએફઓએ પોતાના મેમ્બર્સ માટે પીએફ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત કોઈપણ વ્યક્તિની નોકરી જતી રહે અને તે એક મહિનાથી વધારે સમય સુધી બેરોજગાર રહે તો તે પોતાના પીએફ અકાઉન્ટમાંથી 75 ટકા સુધીની રકમ ઉપાડી શકે છે. આમ કરવાથી તેનું પીએફ અકાઉન્ટ પણ ચાલુ રહેશે અને તેને જરૂરી ખર્ચ માટે પૈસા પણ મળી જશે. નવી નોકરી મળવા પર તે પોતાના પીએફ અકાઉન્ટને ફરીથી એક્ટીવ કરી શકે છે.

વર્તમાન સમયમાં ઈપીએફઓના એક્ટિવ પીએફ મેમ્બર્સની સંખ્યા 4 કરોડ 70 લાખ રુપિયા છે. ઈપીએફઓના કુલ પીએફ મેમ્બર્સની સંખ્યા આશરે 15 કરોડ જેટલી છે.