નવી દિલ્હીઃ એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી કંપનીનાં ઊંચાં પદો પરથી કેટલાક જણની વિદાય થવાની શક્યતા છે, કેમ કે મસ્કના નિશાને કંપનીનાં પોલિસી હેડ વિજ્યા ગાડ્ડે છે. કંપનીની સેન્સરશિપથી જોડાયેલા નિર્ણયો માટે ગાડ્ડેને જ જવાબદાર ગણવામાં આવે છે.
ટ્વિટરની ભારતીય મૂળની લીગલ અને પોલિસી ટીમની હેડ વિજ્યા ગાડ્ડે હાલમાં એક મિટિંગમાં ભાવુક પણ થઈ હતી. મસ્કે વિજ્યાના એક નિર્ણયની ટીકા કરી હતી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના પુત્ર હન્ટરના લેપટોપ પરથી કરવામાં આવેલી એક એક્સક્લુઝિવ સ્ટોરીને સેન્સર કરવા બદલ વિજ્યાને મસ્કે ઘણું સંભળાવ્યું હતું. એને લઈને મશહૂર પોડકાસ્ટ હોસ્ટ સાગર એન્જેટીએ એક ટ્વીટ પણ કર્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે વિજ્યા ગાડ્ડેએ હન્ટર બાઇડનની લેપટોપ સ્ટોરીને સેન્સર કરી હતી. હવે તે એલન મસ્કના ટ્વિટર ટેકઓવરથી દુખી છે. એના જવાબમાં મસ્કે લખ્યું હતું કે એક મુખ્ય ન્યૂઝ ઓર્ગેનાઇઝેશનની વાજબી સ્ટોરીને પબ્લિશ કરવા બદલ એનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવું એ ખોટું પગલું છે.