પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ લાવવાના પક્ષમાં કેન્દ્ર સરકાર

નવી દિલ્હી- નાણાપ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું છે કે સરકાર પેટ્રોલિયમ પ્રોડક્સને જીએસટી અંતર્ગત લાવવાના પક્ષમાં છે. રાજ્યસભામાં પૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમ તરફથી પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નાણાપ્રધાન અરૂણ જેટલીએ આ માહિતી આપી છે. જેટલીએ જણાવ્યું કે પેટ્રોલિયમ પ્રોડક્સને જીએસટી અંતર્ગત લાવવા મામલે અમે લોકો રાજ્યોની સામાન્ય સંમતિની રાહ જોઈશું. આશા છે કે રાજ્ય સરકારો જલ્દી જ આ મામલે પોતાની સંમતિ દર્શાવશે.રાજ્યસભામાં કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમે જણાવ્યું હતું કે હવે ભાજપ 19 રાજ્યોમાં સત્તા સ્થાને છે. કેન્દ્રમાં પણ તેમની સરકાર છે તો પછી તેમણે પેટ્રોલિયમ પ્રોડક્સને જીએસટી અંતર્ગત લાવવાથી કોઈ રોકી શકે તેમ નથી. જીએસટી કાઉન્સિલ આ મામલો ક્યારે ઉઠાવશે તેવો સવાલ પણ ચિદમ્બરમે કર્યો હતો.

હોબાળા વચ્ચે 5 ખરડા રજૂ કરાયા

હંગામા વચ્ચે જેટલીએ પૂરક અનુદાન માંગણીઓ રજૂ કરી હતી. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષા પરિષદ અધિનિયમ ખરડો, કેન્દ્રીય પ્રધાન સંતોષ કુમારે ઉપદાન સંદાય ખરડો, સ્વાસ્થ્ય પ્રધાન જે પી નડ્ડાએ દંત ચિકિત્સા ખરડો અને વન તેમજ પર્યાવરણપ્રધાન ડો. હર્ષવર્ધને ભારતીય વન સંશોધન ખરડો રજૂ કર્યો હતો. બંન્ને સદનોમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂંટણીના પરિણામોની અસર જોવા મળી હતી.

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું કે ડો. મનમોહન સિંહ દેશ પ્રત્યે ઈમાનદાર રહ્યા છે. આને લઈને કોઈપણ વ્યક્તિ તેમના પર પ્રશ્ન ઉઠાવી શકે નહી. તેમણે જણાવ્યું કે આના માટે વડાપ્રધાન મોદીએ સદનમાં આવીને સ્પષ્ટતા કરવી જોઈએ. તો આ સિવાય કોંગ્રેસના નેતા આનંદ શર્માએ જણાવ્યું કે ક્રિમિનલ નેતાઓ માટે સ્પેશિયલ કોર્ટ બનાવવાના મુદ્દે જણાવ્યું કે વધારે કોર્ટ બનાવવા માટે સરકારે ફંડ આપવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે કોર્ટની સંખ્યા વધારે હોવાના કારણે કેદીઓનું ટ્રાયલ જલ્દી થશે અને તેમને જેલમાં લાંબો સમય નહી વિતાવવો પડે. આ મુદ્દે આઝાદે જણાવ્યું કે કાયદો તમામ લોકો માટે સરખો છે. આ સંજોગોમાં નેતાઓને આ માટે અલગ રાખી શકાય નહી.