શેરબજારમાં તેજીની આગેકૂચઃ સેન્સેક્સ વધુ 235 પોઈન્ટ ઊંચકાયો

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. ગુજરાત અને હિમાચલપ્રદેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, જેને પગલે સ્ટોક માર્કેટમાં નવા વિશ્વાસનું વાતાવરણ જોવાયું હતું. એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર હવામાન હતું, બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસ હતા. તેમ છતાં આઈટી સેકટરને છોડીને તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 235.06(0.70 ટકા) વધી 33,836.74 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 74.45(0.72 ટકા) વધી 10,463.20 બંધ થયો હતો.હેવીવેઈટ શેરોમાં મારુતિ, ઓએનજીસી, એચયુએલ, આઈટીસી, એચડીએફસી બેંક, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નવી લેવાલીથી ઈન્ડેક્સ ઝડપી વધ્યો હતો. ખાસ કરીને આજે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર તેજી થઈ હતી. ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલીથી સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ નવી હાઈ પર પહોંચ્યા હતા. આમ માર્કેટમાં એફઆઈઆઈની નેટ વેચવાલી હોવા છતાં તેજીની આગેકૂચ જળવાયેલી રહી છે. સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે. જેમાં આર્થિક સુધારા કરતા નવા બિલો રજૂ થશે, જેને કારણે પણ માર્કેટમાં નવા વિશ્વાસ સાથે નવી લેવાલી આવી હતી.

  • એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ, પણ યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા.
  • તેજી બજારમાં આઈટી અને ટેકનોલોજી સેકટરમાં વેચવાલીથી માઈનસ હતા.
  • બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 251.79 ઉછળ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 275.17 ઊંચકાયો હતો. સ્મોલકેપ 18,527 નવી હાઈ પર બંધ રહ્યો હતો.
  • કેઈસી ઈન્ટરનેશનલને રૂપિયા 2424 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે.
  • લિકંન ફાર્માને મેલેરિયાના ઈલાજમાં ઉપયોગી થનાર ઈન્જેક્શનને પેટન્ટ મળ્યું છે.
  • ઓરોબિન્દો ફાર્માની એચઆઈવીની બે દવાઓને યુએસ એફડીએની મંજૂરી મળી ગઈ છે.