SMEના વિકાસ માટે ડન એન્ડ બ્રાડસ્ટ્રીટ ઈન્ડિયા-બીએસઈ વચ્ચે કરાર

મુંબઈઃ ડન એન્ડ બ્રાડસ્ટ્રીટ ઈન્ડિયા અને બીએસઈ લિ. વચ્ચે એક સમજૂતી કરાર કરવામાં આવ્યો છે, જે હેઠળ દેશમાં નાના અને મધ્યમ વેપાર સાહસો (એસએમઈ)ના ઉત્તેજન, સહાય અને વૃદ્ધિ માટેનું વાતાવરણ સર્જવામાં આવશે. આ ભાગીદારી દ્વારા દેશના એસએમઈઝ ગ્લોબલ માર્કેટ્સનો સંપર્ક કરી શકશે, સંભવિત ગ્રાહકો મેળવી શકશે, નવા સપ્લાયરો, ચેનલ ભાગીદારો શોધી શકશે, જોખમનું વ્યવસાથાપન કરી શકશે અને વૃદ્ધિની તકો શોધી શકશે.

આ પ્રસંગે ડન એન્ડ બ્રાડસ્ટ્રીટ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અવિનાશ ગુપ્તાએ કહ્યું કે ડન એન્ડ બ્રાડસ્ટ્રીટ છેલ્લાં વીસ વર્ષથી ભારતીય એમએસએમઈઝ સાથે સંકળાયેલી છે અને તેમના વિકાસમાં સહાય કરે છે. અમે તાજેતરમાં કરેલા નિરીક્ષણમાં જણાયું છે કે આ મહામારીના કાળમાં દેશના એમએસએમઈઝ સામે ત્રણ મોટા પડકારો છે. એક માર્કેટનો સંપર્ક, એકંદર ઉત્પાદકતામાં સુધારો અને ધિરાણની ઉપલબ્ધિ. બીએસઈ સાથે મળીને અમે એસએમઈના વિકાસ માટે આવશ્યક માહોલ નિર્માણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવીશું.

આ ભાગીદારી અંગેની ટિપ્પણીમાં બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ્સના હેડ અજય ઠાકુરે કહ્યું કે બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર અત્યારે લિસ્ટેડ કે લિસ્ટ થનારી કંપનીઓને ડન એન્ડ બ્રાડસ્ટ્રીટ તરફથી વેપાર માહિતી ખાસ કિંમતે ઉપલબ્ધ થશે તેનાથી કંપનીઓની વિશ્વસનીયતા  વધશે એટલું જ નહિ પરંતુ તેમના વેપારની તકોનો વ્યાપ પણ વધશે.

સરકારે નાણાકીય વર્ષ 2025 સુધીમાં જીડીપીમાં એસએમઈના હિસ્સાને હાલના 30 ટકાથી વધારીને 50 ટકા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.