ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં કટોકટીની સ્થિતિની જાહેરાત કરી, સાઈબર હુમલાને લઈને…

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રમ્પે દેશમાં કટોકટીની સ્થિતિની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે આ નિર્ણય સાઈબર હુમલાની સ્થિતિમાં અમેરિકાના કમ્પ્યુટર્સને બચાવવા માટે કરવામાં આવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાની કંપનીઓને વિદેશી ટેલિકોમ સેવાઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કારણ કે, વિદેશી ટેલિકોમ સેવાઓથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. વ્હાઈટ હાઉસના નિવેદન મુજબ, “અમેરિકાને વિદેશી દુશ્મનોથી બચાવવાનો જે માહિતી અને પ્રસારણ સેવાઓના આધારે અતિશય સંવેદનશીલ રીતે સતત સક્રિય થઈ રહ્યા છે.” વ્હાઇટ હાઉસ તરફથી મળેલા નિવેદન પ્રમાણે આ કટોકટીની સ્થિતિ વ્યાપાર સચિવાલયને સત્તા આપે છે કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યવહાર અટકાવી શકે છે.

જો કે, આ આદેશમાં ટ્રમ્પે કોઈ ટેલિકોમ કંપનીનું નામ જણાવ્યું નથી, પરંતુ ચીન સાથે ચાલી રહેલા ટ્રેડ વોરને પગલે ચીનની કંપની હ્યુવેઈ પર નિશાન સધાયું હોવાનું માનવામાં આવે છે. આ સિવાય ઘણાં દેશોએ પણ શંકા વ્યક્ત કરી છે કે, આ કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ ચીન નજર રાખવા માટે કરી શકે છે. જોકે, ટેલિકૉમનાં ઉપકરણો બનાવતી દુનિયાની આ સૌથી મોટી કંપનીએ આવી કોઈ પણ શક્યતાનું ખંડન કર્યું છે.

તેમણે કહ્યું છે કે, તેના કામથી કોઈને કોઈ જ નુકસાન થશે નહીં અને તેનાથી જાસૂસીનું કોઈ જોખમ નથી. ફેડરલ કૉમ્યુનિકેશન્સ કમિશનના ચેરમૅન અજીત પાઈએ આ પગલાંને આવકાર્યું છે. તેમના નિવેદનમાં તેમણે આ પગલું નોંધનીય ગણાવ્યું છે. યૂએસ દ્વારા પહેલાંથી જ ફેડરલ એજન્સીને હ્યુવેઈના ઉત્પાદનો પર નિયંત્રણની સૂચના આપી દીધી હતી. તેમ જ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ દ્વારા પણ તેમના અદ્યતન 5-જી મોબાઇલ નેટવર્કમાં હ્યુવેઈના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.