મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્સમાં સરળ, ઝડપી લે-વેચ માટે BSE સ્ટાર એમએફની મોબાઈલ એપ લોન્ચ કરાઈ 

મુંબઈ – હવે મ્યુચ્યુઅલ ફંડની વિવિધ સ્કીમ્સના યુનિટ્સની લે-વેચ ગમે ત્યારે અને ગમે ત્યાંથી થઈ શકે છે. બોમ્બે સ્ટોક એકસચેંજે (બીએસઈ) એ આ માટે બીએસઈ સ્ટાર એમએફ નામની એપ લોન્ચ કરી છે. બુધવારે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં આ એપ લોન્ચ કરાઈ હતી.

બીએસઈ સ્ટાર એમએફ  એક એવી મોબાઈલ એપ છે, જેના માધ્યમથી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ આમાં સહભાગી થશે અને તેમના ગ્રાહકોને ઝડપી અને વધુ સરળતાથી સર્વિસ આપી શકશે. કારણ કે એપને લીધે યુનિટ્સની ખરીદી અને રિડમ્પશન ગમે ત્યાંથી અને ગમે ત્યારે સંભવ બનશે. આમાં આંગળીના ટેરવેથી કામકાજ થઈ શકશે. એસઆઈપી, લમસમ રોકાણ કે અન્ય કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ મારફતનું રોકાણ ઓનલાઈન તેમ જ પેપરલેસ થઈ જશે.

2018-19માં બીએસઈ સ્ટાર એમએફ મંચે 3.5  કરોડ ટ્રાન્ઝેકશન કર્યા હતા. હાલ એકલા એપ્રિલમાં 42.6 લાખ સોદા થયા હતા.

બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર આશિષ કુમાર ચૌહાણે આ પ્રસંગે કહ્યું હતું કે આ એપથી ડિસ્ટ્રીબ્યુટર્સ અને ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ પોતાના બિઝનેસનો વધુ વિકાસ કરી શકશે. વ્યક્તિગત ઈન્વેસ્ટર પણ આનો લાભ લઈ શકશે.