2000ની નોટ બદલવા માટે બેન્કોમાં જામી ગરદી

મુંબઈઃ રૂ.2000ના મૂલ્યની ચલણી નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની ભારતીય રિઝર્વ બેન્કે જાહેરાત કરી છે. જેમની પાસે આ નોટ હોય તેઓ બેન્કોમાં જઈને તે બદલાવી શકે છે. આ નોટ બદલી આપવાની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે જે આ વર્ષની 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આજે પહેલા દિવસે મુંબઈ સહિત દેશના અનેક શહેરોની બેન્કોમાં આ નોટ જમા કરાવવા કે બદલવા માટે લોકોની લાઈન લાગી હતી.

મોદી સરકારે 500 અને 1000ના મૂલ્યવાળી ચલણી નોટોને 2016ના નવેમ્બરમાં ચલણમાંથી પાછી ખેંચી લીધી હતી અને 2000ના નવા મૂલ્યવાળી નોટ ચલણમાં મૂકી હતી.

કોલકાતામાં, એસબીઆઈની કાલિકાપુર શાખામાં સ્વપનકુમાર દાસ નામના એક નિવૃત્ત કેન્દ્ર સરકારી કર્મચારી 2000ની 4 નોટ એક્સચેન્જ કરવા ગયા હતા. તો રાંચીમાં એક નિવૃત્ત કર્મચારી બેન્કમાં 2000ની નોટ બદલવા ગયો હતો. એણે કહ્યું કે એના એક ભાડૂઆતે ઘણા વખત પહેલા એને 2000ની નોટ આપી હતી, જે પોતે સાચવી રાખી હતી, પણ હવે એ પરત કરવા બેન્કમાં આવ્યો છે.