નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે ફ્યુચર ગ્રુપની રિટેલ એસેટને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચતા અટકાવવાના એક આદેશ પરનો પ્રતિબંધ દૂર કર્યો છે, જેથી એમેઝોન.કોમ ઇન્કને આ સોદાને બ્લોક કરવાના પ્રયાસોને આંચકો લાગ્યો છે. આ પહેલાં કોર્ટના સિંગલ જજે બંને કંપનીઓના સોદા પર સ્ટેટસ કો (જૈસે થે) રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સોમવારે ફ્યુચર રિટેલ લિ.ની એસેટ્સને વેચવાની મંજૂરી આપી હતી, જેથી અગાઉના ઓર્ડરને 3.4 અબજ ડોલરના સોદા પર પ્રતિબંધ લાગ્યો છે.
ખંડપીઠે કહ્યું હતું કે ફ્યુચર-રિલાયન્સ સોદા પર કાયદા અનુસાર પ્રક્રિયાને આગળ વધતાં ના રોકવી જોઈએ, કેમ કે એમેઝોનને જ્યારે આ સોદામાં રસ નથી રહ્યો તો પછી આ સોદા પર ‘જૈસે થે’ સ્થિતિ બનાવવાની જરૂર નથી. કોર્ટે આગામી સુનાવણી સુધી સોદા પરથી પ્રતિબંધ દૂર કર્યો છે.
આ આદેશથી એમેઝોને અબજોપતિ મુકેશ અંબાણીના રિલાયન્સના ગ્રુપને રિટેલ બિઝનેસિસ હસ્તગત કરતા રોકવાના પ્રયાસમાં કાનૂની હકો ગુમાવી દીધા છે, જે દેશના સૌથી શ્રીમંત વ્યક્તિને અંદાજિત એક અબજ ડોલરના બજાર પર હાવી થવામાં મદદ કરી શકે છે. જો રિલાયન્સ સાથે સોદો રદ થશે તો ફ્યુચર નાદાર થશે, એમ વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી.
એમેઝોન ઇન્ડિયા અને ફ્યુચરના પ્રતિનિધિઓ આ બાબતની કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. રિલાયન્સના પ્રવક્તાએ પણ નવા આદેશ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
એમેઝોન સિંગાપોરની ટ્રિબ્યુનલનો આદેશ લાગુ કરવા ઇચ્છતી હતી, જેમાં ઓક્ટોબરમાં કહેવામાં આવ્યું હતું કેક ફ્યુચર ગ્રુપ સોદા (રિલાયન્સ સાથે) માટે આગળ ના વધવું જોઈએ.