નવી દિલ્હીઃ ડિજિટલ ઈકોનોમી ગ્રોથ પર બનેલી સરકારી સમિતિએ જણાવ્યું છે કે જાતિ-ધર્મ, પાસવર્ડ, આધાર અને ટેક્સ ડીટેલ આ તમામ સંવેદનશીલ પર્સનલ ડેટા છે અને સ્પષ્ટ સહમતી વગર આનો ઉપયોગ ન કરવો જોઈએ. જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ ડેટા પ્રોટેક્શન લોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ પર 15 કરોડ રૂપીયાથી લઈને તેના દુનિયાભરના વ્યાપારના ટર્નઓવરના કુલ 4 ટકા જેટલી રકમનો દંડ લગાવવાની ભલામણ કરવામાં આવી છે.
કમિટીએ ડેટા પ્રોટેક્શન લો મામલે જણાવ્યું કે યૂઝરને તેની સહમતીની જાણકારી હોવી જોઈએ અને સહમતી સ્પષ્ટ હોવી જોઈએ. તો આ સાથે જ સહમતી પાછી લેવાનો પણ અધિકાર યુઝર પાસે હોવો જોઈએ. આ રિપોર્ટ આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદને સોંપવામાં આવ્યો છે. કમિટીનું કહેવું છે કે ઈન્ટરનેટના ગ્રાહકોને પોતાના ડેટા સુધી પહોંચવાનો અધિકાર હોવો જોઈએ.
સમિતિએ જણાવ્યું કે ઈન્ટરનેટ સબ્સક્રાઈબર્સ અને ગૂગલ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મોનો ઉપયોગ કરનારા લોકોને પોતાનો વ્યક્તિગત ડેટા કોઈપણ સમયે પ્રાપ્ત કરવાનો અધિકાર હોવો જોઈએ. કમિટીએ પોતાના રિપોર્ટમાં પ્રત્યેક યુઝરની પર્સનલ પ્રોફાઈલિંગ અને થર્ડ પાર્ટી એપ્લિકેશનો દ્વારા યુઝર ડેટાનો અનઔપચારિક રીતે સંગ્રહ કરવા વિરૂદ્ધ ભરવામાં આવનાર પગલાનો ઉલ્લેખ કર્યો હતો.
આ પેનલ જુલાઈ 2017માં ડિજિટલ ઈકોનોમીની ગ્રોથ માટે બનાવવામાં આવી હતી. તો આ સાથે જ આનો ઉદ્દેશ્ય પર્સનલ ડેટાને સુરક્ષિત કરવા માટે કેટલાક આઈડીયાઝ આપવાનો પણ હતો. રવિશંકર પ્રસાદે આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે ડિજિટલ ડેવલપમેન્ટમાં શ્રીકૃષ્ણ કમિટીનો રિપોર્ટ અત્યંત મદદરૂપ પુરવાર થશે. આને ધ્યાનમાં રાખીને કાયદો પણ બનાવવામાં આવશે.