નવા વર્ષથી GST નિયમોમાં ફેરફારઃ શું મોંઘું થશે, જાણો…

નવી દિલ્હીઃ નવા વર્ષ- 1 જાન્યુઆરી, 2022થી લાગુ થનારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દરોમાં ફેરફાર થશે, જેથી વિવિધ ગ્રાહકલક્ષી ચીજવસ્તુઓ મોંઘી થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસની GST કાઉન્સિલની ભલામણોને આધારે ગારમેન્ટ્સ, ટેક્સટાઇલ્સ અને ફૂટવેર પર લાગુ GST દરોમાં વધારો કર્યો છે. આ બધી ચીજવસ્તુઓ પર GSTના દર પહેલી જાન્યુઆરીથી પાંચ ટકા વધીને 12 ટકા થઈ જશે.

ટેક્સટાઇલ્સ ક્ષેત્રે રૂ. 1000થી વધુની કિંમતનાં કપડાં પર GST પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ કપડાં, સિન્થેટિક યાર્ન, બ્લેન્કેટ, ટેન્ટ્સ અને અન્ય આ પ્રકારની ચીજવસ્તુઓ પરના GSTના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રૂ. 1000થી વધુની કિંમતના ફૂટવેર પરના GSTના દર પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યા છે.

ઓલા અને ઉબેર જેવી એપથી રિક્ષા બુક કરવાનું મોંઘું પડશે, કેમ કે સરકારે ઘોષણા કરી હતી કે ઓનલાઇન ઓટો રાઇડ બુકિંગ પર પાંચ ટકા GST લગાવવામાં આવશે. જોકે ઓફલાઇન રિક્ષા પર કોઈ GSTના દર લાગુ નહીં થાય.

આ ઉપરાંત ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ- સ્વિગી અને ઝોમેટો પરના GSTના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં આ પ્લેટફોર્મ્સ પર સરકારે પાંચ ટકા GSTના દર લાગુ કર્યા છે, જેથી આ એપથી ફૂડ ડિલિવરી મગાવવી મોંઘી પડશે.