નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી બાસમતી સિવાયના ચોખાની કિંમતો ઝડપથી વધી રહી છે, જેથી સરકાર ચિંતિત છે. જેથી ચોખાની વધતી કિંમતો પર કેન્દ્ર સરકારે આકરું વલણ અપનાવ્યું છે. સરકારે ચોખા ઉદ્યોગને કિંમતો પર કાબૂ મેળવવા નિર્દેશ આપ્યા છે. એ સાથે સરકારે નફાખોરોને કાર્યવાહી કરવા ચેતવણી આપી છે.
સોમવારે ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ કહ્યું હતું કે નવી દિલ્હીમાં ચોખા ઉદ્યોગના અગ્રણી પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. એ બેઠકમાં તેમણે બાસમતી સિવાયના ચોખાની કિંમતોને વાજબી સ્તરે લાવવા માટે પગલાં ભરવા કહ્યું હતું. સરકારે નિર્દેશમાં કહ્યું હતું કે દેશમાં સારી ગુણવત્તાના ચોખાનો સ્ટોક પર્યાપ્ત છે. એને ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ (OMSS) હેઠળ ટ્રેડર્સ અને પ્રોસેસર્સને રૂ. 29 કિલોમાં આપવામાં આવે છે, પરંતુ ખુલ્લા માર્કેટમાં એને રૂ. 43-50 પ્રતિ કિલોના ભાવથી વેચવામાં આવી રહ્યા છે. જેથી સરકારે આ નિર્દેશ જારી કરવો પડ્યો હતો.
સરકારે જુલાઈમાં નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એ સાથે નિકાસ ડ્યૂટી પણ 20 ટકા વધારી દીધી હતી. સરકારના પ્રયાસો છે કે સ્થાનિક બજારમાં ચોખાની અછત ના થવી જોઈએ. ઓક્ટોબરમાં ચોખાની લઘુતમ એક્સપોર્ટ પ્રાઇસ 950 ડોલર પ્રતિ ટન કરી દેવામાં આવી હતી.
આ બેઠકમાં ચોપરાએ ઉદ્યોગને લોકલ બજારમાં કિંમતોને વાજબી સ્તરે લાવવા માટે પગલાં લેવા જણાવ્યું હતું. PIB દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગ સંગઠનોને તેમના એસોસિયેશનના સભ્યો સાથે આ મુદ્દો ઉઠાવવા અને ચોખાના છૂટક ભાવમાં તાત્કાલિક અસરથી ઘટાડો થાય તે સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સારા ખરીફ પાક, ભારતીય ખાદ્ય નિગમ (FCI) પાસે પર્યાપ્ત અનામત અને ચોખાની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં સ્થાનિક બજારમાં બિન-બાસમતી ચોખાના ભાવ કેમ વધી રહ્યા છે?સરકારે બિન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ભાવમાં વધારો ચિંતાનો વિષય છે. છેલ્લા બે વર્ષમાં ચોખાના વાર્ષિક ફુગાવાના દરમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. ચોખાના ભાવમાં સતત વધારાને લઈને સરકાર હવે કડક બની ગઈ છે અને તેને અંકુશમાં લેવા માટે કમર કસી છે.