વિજયા બેન્ક, દેના બેન્ક, બેન્ક ઓફ બરોડાનાં વિલિનીકરણને કેન્દ્ર સરકારની મંજૂરી

નવી દિલ્હી – કેન્દ્રીય પ્રધાનમંડળે વિજયા બેન્ક, દેના બેન્ક, બેન્ક ઓફ બરોડાનાં વિલિનીકરણને આજે મંજૂરી આપી દીધી છે. ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં આ પ્રકારનું મર્જર આ પહેલી જ વાર કરવામાં આવ્યું છે.

સરકારે ગયા વર્ષના સપ્ટેંબરમાં જાહેરાત કરી હતી કે સરકાર સંચાલિત વિજયા બેન્ક અને દેના બેન્કનું એમનાથી મોટી એવી બેન્ક ઓફ બરોડામાં વિલિનીકરણ કરવામાં આવશે.

આ મર્જર બાદ જે નવી બેન્ક રચાશે તે દેશમાં કદની દ્રષ્ટિએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને આઈસીઆઈસીઆઈ બેન્ક બાદ ત્રીજા નંબરની બની જશે.

બેન્ક ઓફ બરોડાએ વિજયા બેન્ક અને દેના બેન્ક સાથે પોતાના મર્જર માટે સ્વૉપ રેશિયો નક્કી કર્યો છે. એકત્રીકરણની યોજના અંતર્ગત વિજયા બેન્કના શેરહોલ્ડરોને પ્રત્યેક 1000 શેરની સામે બેન્ક ઓફ બરોડાના 402 શેર મળશે. એવી જ રીતે, દેના બેન્કના શેરહોલ્ડરોને પ્રત્યેક 1000 શેર સામે BoBના 110 શેર મળશે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં, આજે બેન્ક ઓફ બરોડાનો શેર 3.16 ટકા તૂટીને રૂ. 119.40નો ટ્રેડ થયો હતો જ્યારે વિજયા બેન્ક અને દેના બેન્કના શેર અનુક્રમે 51.50 અને 17.95ના ભાવે બંધ રહ્યા હતા.

બેન્ચમાર્ક સેન્સેક્સ આજે 1 ટકા ઘટીને 35,891.52નો બંધ રહ્યો હતો.