નવી દિલ્હીઃ એર ઈન્ડિયામાં 51 ટકા હિસ્સો ખરીદવા માટે કંપનીના કર્મચારીઓ બિડ રજૂ કરવાના છે, પરંતુ એમાં કેબિન-ક્રૂ કર્મચારીઓ નહીં જોડાય. આ કર્મચારીઓ એને બદલે એમ ઈચ્છે છે કે એમના પગારની બાકી રહેલી રકમ એમને ચૂકવી દેવામાં આવે.
એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરને લખેલા પત્રમાં ઓલ ઈન્ડિયા કેબિન ક્રૂ એસોસિએશને જણાવ્યું છે કે, વડા પ્રધાન અટલબિહારી વાજપેયીની સરકાર વખતે એર ઈન્ડિયામાં હિસ્સો ખરીદવા માટે કર્મચારીઓ બોલી લગાવે એ નિર્ણયને એસોસિએશને ગર્વથી ટેકો આપ્યો હતો અને જો અત્યારે સંજોગો વધારે સારા હોત તો કેબિન ક્રૂ કર્મચારીઓએ પણ બોલીમાં જોડાવાનું પસંદ કર્યું હોત, પરંતુ અમને રૂ. 1,400 કરોડની રકમ ચૂકવવાની બાકી છે તેથી બિડમાં જોડાવાનું અમારા માટે અશક્ય બની ગયું છે. એસોસિએશનના કેબિન ક્રૂ તમામ ડાયરેક્ટરો અને એક્ઝિક્યૂટિવ્સને એમના બિડમાં સફળ થવાની શુભેચ્છા આપે છે, કારણકે આખરે તો આપણા સૌની એરલાઈન છે, પરંતુ અમે આ સાહસમાં ભાગ લેવાના નથી.
ઉક્ત એસોસિએશને સહીવગરની નોંધનો ઉલ્લેખ કરીને આ પત્ર લખ્યો છે. તે નોંધ એરલાઈનના એક બોર્ડ સભ્યએ લખ્યો હોવાનું કહેવાય છે, જેમાં એર ઈન્ડિયાનો 51 ટકા હિસ્સો કર્મચારીઓ દ્વારા ખરીદવાની બોલી લગાવવાની વાત કહેવામાં આવી છે. કહેવાય છે કે એક ખાનગી ફાઈનાન્સર સાથે ભાગીદારી કરીને એર ઈન્ડિયાના 209 કર્મચારીઓનું એક ગ્રુપ એર ઈન્ડિયામાં 51 ટકા હિસ્સો ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રક્રિયાની આગેવાની એર ઈન્ડિયાનાં કમર્શિયલ ડાયરેક્ટર મીનાક્ષી મલિકે લીધી હોવાનું કહેવાય છે.