બજેટ-2024: સરકાર IT છૂટની મર્યાદા વધારીને પાંચ લાખ કરશે

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન જુલાઈના બીજા પખવાડિયામાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરશે. આ બજેટથી કરદાતાઓને બહુ મોટી અપેક્ષા છે. સરકાર મધ્યમ વર્ગને ટેક્સમાં કંઈક રાહત આપે એવી શક્યતા છે. નાણાપ્રધાન ઇન્કમ ટેક્સ છૂટની મર્યાદાને રૂ. ત્રણ લાખથી વધારીને રૂ. પાંચ લાખ સુધી કરે એવી સંભાવના છે, એમ કેટલાક સિનિયર સરકારી અધિકારીઓએ માહિતી આપી હતી.

આ રાહત નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આવકવેરા રિટર્ન ભરવાવાળા કરદાતાઓને મળશે.

નવી ટેક્સ રિજિમ હેઠળ ઇન્કમ ટેક્સ સ્લેબ

રૂ. ત્રણ લાખ સુધી શૂન્ય-

રૂ. ત્રણ લાખથી રૂ. છ લાખની વચ્ચે – પાંચ ટકા (કલમ 87 A હેઠળ ટેક્સ છૂટ)

રૂ. છ લાખથી રૂ. નવ લાખની વચ્ચે- 10 ટકા (કલમ 87 A હેઠળ રૂ. સાત લાખ સુધી ટેક્સ છૂટ)

રૂ. નવ લાખથી રૂ. 12 લાખની વચ્ચે -15 ટકા

રૂ. 12 લાખથી રૂ. 15 લાખની વચ્ચે -20 ટકા

રૂ. 15 લાખથી વધુ- 30 ટકા

એટલે સરકાર જો આગામી બજેટ 2024-25માં રૂ. પાંચ લાખ સુધીની આવકની ટેક્સ છૂટ આપે છે તો હાલના છ સ્લેબની જગ્યાએ પાંચ સ્લેબ જ બચશે.

કરદાતાને કેટલો લાભ?

નાણાપ્રધાન બજેટ2-2024-25માં ટેક્સ છૂટની મર્યાદા રૂ. પાંચ લાખ સુધી વધારશે તો એનાથી રૂ. 7.6 લાખથી રૂ. 50 લાખ સુધી ટેક્સેબલ ઇન્કમવાળા લોકોની ટેક્સની ચુકવણીમાં રૂ. 10,400 (ચાર ટકા હેલ્થ અને એજ્યુકેશન સેસ સહિત) ઓછો થઈ જશે. જ્યારે જેમની કરપાત્ર આવક રૂ. 50 લાખથી રૂ. એક કરોડની વચ્ચે છે, તેમની કર જવાબદારી આશરે રૂ. 11,440 (સેસ અને 10 ટકા સરચાર્જ સહિત) ઓછી થશે.