બજેટ 2023: ફુગાવામાં ઘટાડો, આવકને વધારવા પર ભાર મૂકવાની જરૂર

નવી દિલ્હીઃ દેશમાં દૂધની કિંમતોમાં છેલ્લા એક વર્ષમાં રૂ. આઠનો વધારો થયો છે. એ જ રીતે પાર્લે Gના બિસ્કિટની કિંમત રૂ. પાંચ છે, પણ એનું વજન ઘટ્યું છે. લોટની કિંમત આશરે 20 ટકા વધી છે. સર્ફ એક્સેલની કિંમત પણ 8-10 ટકા વધી છે. આમ દેશમાં  સામાન્ય અને મધ્યમ વર્ગ પર મોંઘવારીના મારમાં વધારો થયો છે. રશિયા-યુક્રેનમાં લડાઈને કારણે કોમોડિટીની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. જેથી કંપનીઓની ઉત્પાદન ખર્ચ વધ્યો છે. FMCG કંપનીઓએ આ ભાવવધારો ગ્રાહકો પર નાખ્યો છે.

દેશમાં દર ત્રણમાંથી એક ઉપભોક્તા શહેરમાં રહે છે. શહેરી ઉપભોક્તાની વ્યક્તિદીઠ આવક 82 ડોલર છે, જ્યારે ગ્રામીણ ઉપભોક્તાની આવક 27 ડોલર છે, એમ હિન્દુસ્તાન યુનિલીવરનો રિપોર્ટ કહે છે.  કિંમતો વધવાથી કંપનીઓની આવક વધી છે, પણ ગ્રાહકોએ ખર્ચ ઘટાડવાનું શરૂ કર્યું છે. ક્રિસિલ રેટિંગ્સ મુજબ FMCG ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂ. 4.7 લાખ કરોડ છે, જે 2022-23માં 8-10 ટકા ઘટવાની અપેક્ષા છે. બીજા ત્રિમાસિકમાં FMCGના વેચાણમાં 3.6 ટકાનો ઘટાડો થયો છે. કન્ઝ્યુમર નોન-ડ્યુરેબલ્સમાં સતત છેલ્લા ત્રણ મહિનાથી ઘટાડો આવ્યો છે.  

વૈશ્વિક અર્થતંત્રની ગ્રોથમાં 2023માં ઝડપી ઘટાડો થવાનો અંદાજ છે, જેથી ભારતીય અર્થતંત્ર પર એની પ્રતિકૂળ અસર પડશે.નાણાપ્રધાને સમાજના નબળા અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સરકાર નબળા વર્ગના લોકોને રાહત અને ટેકો આપવા તેલિબીયાંની ડ્યુટીમાં ઘટાડો, ખાતરની સબસિડીમાં ઘટાડો અને મધ્યમ વર્ગના લોકોના ખિસ્સામાં ખર્ચ માટે વધુ નાણાં આપવાની જરૂર છે.