નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામનના બજેટથી નોકરિયાતોને ઘણી અપેક્ષા છે. તેમનું કહેવું છે કે વર્ષ 2020માં કોરોના રોગચાળો શરૂ થયા પછી તેમણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેથી સરકાર તેમના માટે રાહતની જાહેરાત કરે એવી શક્યતા છે. નાણાપ્રધાન ટેક્સમાં રાહતની સાથે દરોમાં પણ ઘટાડો કરે એવી શક્યતા છે. સરકારે નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં ટેક્સમાં નવી પદ્ધતિ લાગુ કરી હતી અને એમાં ટેક્સ-છૂટ અને કપાત પાછી લીધી હતી, પણ ટેક્સના દર ઘટાડ્યા હતા. બહુ ઓછા ટેક્સપેયર્સે એમાં રસ દાખવ્યો હતો, એટલે સરકારે એને આકર્ષક બનાવવા માટે પગલાં લેવાં જોઈએ. નાણાપ્રધાન એક ફેબ્રુઆરી, 2023એ બજેટ રજૂ કરશે.
વ્યક્તિગત આવકવેરાના દરોમાં 2017-18માં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. એટલે અપેક્ષા છે કે સરકાર ટેક્સપેયર્સને રાહત આપવા બજેટમાં એલાન કરશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સરકારે ઇન્કમ ટેક્સમાં રાહતની આવકમર્યાદા રૂ. 2.5 લાખથી વધીને રૂ. પાંચ લાખ કરવી જોઈએ, જેથી મોટી સંખ્યામાં ટેક્સપેયર્સને લાભ થાય.
હાલ ઇન્કમ ટેક્સના સૌથી વધુ દરવાળા સ્લેબમાં સરચાર્જની સાથે ટેક્સનો દર 42.74 ટકા થાય છે. અન્ય દેશોમાં ખાસ કરીને પડોશી દેશોની તુલનાએ એ બહુ વધુ છે. સિંગાપુરમાં એ 17 ટકા છે, જ્યારે મલેશિયામાં 30 ટકા છે. જેથી સરકાર આમાં ટેક્સપેયર્સને રાહત આપી શકે.
નાણાપ્રધાન સ્ટેન્ડર્ડ ડિડક્શન પણ વધારે એવી શક્યતા છે. જે નોકરિયાતો માટે રૂ. 50,000થી વધારીને રૂ. 1,00,000 કરાય એવી શક્યતા છે. જેથી લોકો પર ટેક્સનો બોજ ઓછો થશે. સરકારે ઇન્કમ ટેક્સની 80C હેઠળ ડિડક્શનની મર્યાદા વધારવી જોઈએ. એમાં નાણાકીય વર્ષ 2014-15થી કોઈ ફેરફાર નથી થયો. આ ઉપરાંત હેલ્થ પોલિસી પર ડિડક્શનની મર્યાદાને વધારવાની જરૂર છે.