મુંબઈ: ગુજરાતના ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી ખાતે આવેલા દેશના સૌપ્રથમ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (IFSC) ઈન્ડિયા INX ખાતે 11.71 અબજ યુએસ ડોલર (આશરે રૂ.86,199 કરોડ)નું ઓલટાઈમ હાઈ ટ્રેડિંગ ટર્નઓવર થયું હતું. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આટલા ટર્નઓવર સાથે તે ગિફ્ટ સિટી આઈએફએસસીનો 74 ટકા બજાર હિસ્સો દર્શાવે છે.
ઈન્ડિયા INX ખાતે સતત ટર્નઓવર વધી રહ્યું છે, ડિસેમ્બર, 2020માં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં આગલા મહિનાની તુલનાએ 39.32 ટકાનો વધારો થયો છે. અત્યાર સુધીમાં કુલ ટ્રેડિંગ ટર્નઓવર 1.46 ટ્રિલ્યન યુએસ ડોલર (આશરે રૂ.1,07,93,921 કરોડ)નું થયું છે. ઈન્ડિયા INX ખાતે વધેલા કામકાજનું પ્રમાણ દર્શાવે છે કે બ્રોકિંગ અને અન્ય સહભાગીઓની સામેલગીરી વધી રહી છે અને એક્સચેન્જ તેમને આવશ્યક પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પૂરી પાડી રહ્યું છે. વૈશ્વિક મહામારીના કાળમાં પણ એક્સચેન્જ 22 કલાક ચાલુ રહે છે. ગિફ્ટ સિટી ખાતે ઈન્ડિયા INX નંબર વન એક્સચેન્જ બની રહ્યું છે.
એક્સચેન્જ બધા એસેટ ક્લાસ -ઈક્વિટીઝ, કરન્સીઝ, કોમોડિટીઝના ટ્રેડિંગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અહીંથી ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર્સ વિશ્વમાં ક્યાંય પણ ટ્રેડિંગ કરી શકે છે. ઈન્ડિયા INX હોંગકોંગ, સિંગાપોર, દુબઈ સહિત કોઈ પણ એક્સચેન્જીસની તુલનાએ વધુ સ્પર્ધાત્મક ખર્ચે ટેકનોલોજીસ અને સર્વિસીસ પૂરી પાડે છે. અહીં કરવેરામાં છૂટછાટો પણ ઘણી ઉપલબ્ધ છે.
