મુંબઈઃ BSEએ ધનતેરસના પાવન દિને મહારાષ્ટ્રના સાંગલી અને યવતમાળ, પંજાબના અમૃતસર અને ગુજરાતનાં અમદાવાદ સ્થિત અગ્રણી બુલિયન એસોસિયેશન્સ સાથે સમજૂતી કરાર (MOU) કર્યા છે. આમાં સાંગલી સરાફા એસોસિયેશન, યવતમાળ સરાફા એસોસિયશન, અમૃતસર સરાફા એસોસિયેશન, શ્રી ચોકસી મહાજન એસેસિયેશન અને જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથેના સમજૂતી કરારનો સમાવેશ થાય છે. આ એસોસિયેશન્સના કુલ 2200 મેમ્બર્સ છે, જેઓ સોના-ચાંદીના રિટેલ વેચાણ સાથે સંકળાયેલાં છે.
આ MOUનો હેતુ બીએસઈ અને ફિઝિકલ માર્કેટ્સનું પ્રતિનિધિત્વ કરતાં ટ્રેડ એસોસિયેશન્સ વચ્ચે વિચાર, શિક્ષણ અને તાલીમ તેમ જ જ્ઞાનના આદાનપ્રદાનનો છે. આ જોડાણ દ્વારા બીએસઈ બુલિયન ટ્રેડર્સ માટે રિસ્ક મેનેજમેન્ટ સંબંધિત જાગૃતિ માટેના કાર્યક્રમ યોજશે.
દેશભરનાં ટ્રેડ એસોસિયેશન્સ સાથે હાથ મિલાવવાને પગલે દેશમાં યોગ્ય પ્રોડક્ટ્સ સર્જવા માટેનું કૌશલ સર્જાશે, બુલિયનની ફિઝિકલ માર્કેટમાં જરૂરી એવું નેટવર્ક સર્જાશે અને સ્થાનિક ડેરિવેટિવ્ઝ માર્કેટ્સમાં પારદર્શિતા વધશે, એમ BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું હતું. આ જોડાણથી ટ્રેડિંગ, હેજિંગ અને ડિલિવરી લેનારાઓ એમ સર્વ સહભાગીઓને લાભ થશે એમ તેમણે ઉમેર્યું હતું.