અમદાવાદઃ US ફેડ 2023માં પણ વ્યાજદરોમાં વધારો કરે એવા અહેવાલોએ બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેથી નિફ્ટી પણ 18,500ની નીચે સરક્યો હતો. ઇન્ડેક્સના બધાં સેક્ટરોના શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી. આ ઉપરાંત અમેરિકામાં મંદીની આશંકાથી IT સેક્ટર ડરેલું છે. નિફ્ટીનો IT ઇન્ડેક્સ 1.5 ટકા નીચે ગયો હતો. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને HCL ટેક બે ટકા તૂટ્યા હતા, જ્યારે મિડકેપ IT શેરોમાં પણ ભારે વેચવાલી થઈ હતી.
BSE સેન્સેક્સ 878.88 પોઇન્ટ તૂટીને 61,799.03 અને નિફ્ટી50 ઇન્ડેક્સ 245.40 પોઇન્ટ તૂટીને 18,414.90ના સ્તરે બંધ રહ્યા હતા. શેરબજારોમાં ઘટાડાને પગલે રોકાણકારોના રૂ. 2.5 લાખ કરોડ સ્વાહા થયા હતા. 14 ડિસેમ્બરે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 2,19,25,007-45 કરોડ હતું, જે આજે 2,88,88,136.52 કરોડે બંધ થયું હતું.
અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયો પણ 31 પૈસા તૂટીને 82.76ના સ્તરે બંધ થયો હતો. વૈશ્વિક નબળા સંકેતોને પગલે બજાર શરૂઆતમાં સપાટ હતું. જોકે US ફેડના 2023માં પણ હોકિશ (Hawkish) વલણ રાખવાના અહેવાલોએ ઘરેલુ શેરબજારોમાં ભારે વેચવાલી થઈ હતી. આ ઉપરાંત વીકલી સેટલમેન્ટના છેલ્લા દિવસને લીધે પણ શેરબજારોમાં વેચવાલી થઈ હતી. બજાર હવે BoE અને ECBના નિર્ણયોની રાહ જોઈ રહી છે. આ બેન્કો વ્યાજદરોમાં 0.50 ટકા વધારો કરે એવી શક્યતા છે.બીજી બાજુ, બજારમાં તેજીના કારણનો અભાવ, FII વેકેશન મોડમાં હોવાથી પણ બજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી.