મુંબઈ: બીએસઈ, પીટીસી ઈન્ડિયા અને આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા પ્રમોટ કરાયેલા હિંદુસ્તાન પાવર એક્સચેન્જને બધી આવશ્યક મંજૂરીઓ સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન પાસેથી પ્રાપ્ત થયા બાદ કામકાજ શરૂ કર્યું છે. હિંદુસ્તાન પાવર એક્સચેન્જ (એચપીએક્સ) છેલ્લામાં છેલ્લી ટેકનોલોજી, ઝડપ, પારદર્શિતા અને ઉત્તમ ભાવસંશોધન પૂરાં પાડવાની ઓફર કરે છે. એક્સચેન્જ પ્રારંભમાં ટર્મ અહેડ માર્કેટ, ગ્રીન ટર્મ અહેડ માર્કેટ અને રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ્સ ઓફર કરશે. એક્સચેન્જ તેના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોને વધારશે અને પાવર માર્કેટના વિવિધ સેગમેન્ટ્સની માગ અનુસાર વિવિધ કોન્ટ્રેક્ટ્સ પૂરા પાડશે.
આ પ્રસંગે હિંદુસ્તાન પાવર એક્સચેન્જના ચીફ ઓપરેટિંગ ઓફિસર અખિલેશ અવસ્થીએ કહ્યું હતું કે વીજ ખરીદીમાં વધુ કાર્યક્ષમતા અને ભાવસંશોધન માટે ઘણા સમયથી ત્રીજા પાવર એક્સચેન્જની જરુરિયાત ખરીદદારો અને વેચાણકર્તાઓને લાગતી હતી. એચપીએક્સ અંતરાયહીન પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે બીએસઈની ટેકનોલોજી ધરાવે છે. આ ટેકનોલોજી બીએસઈને અત્યારે વિશ્વનું સૌથી ઝડપી એકસચેન્જ બનાવે છે. આ ટેકનોલોજીને સુસંગત એવું એન્જિન યુરોપમાં પાવર એક્સચેન્જીસ પૂરા પાડતી કંપની પાસેથી પ્રાપ્ત કરવામાં આવ્યું છે. અમને અમારા પ્રમોટરોના અનુભવનો પણ લાભ મળશે.
છેલ્લાં 20 વર્ષથી દેશની 90 ટકા વીજળી વીજ ઉત્પાદક કંપનીઓ અને રાજ્ય ઊર્જા નિગમો વચ્ચેના દ્વિપક્ષી કરાર દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. આ કોન્ટ્રેક્ટ્સ ક્ષેત્રના સહભાગીઓને ભિન્ન ભિન્ન સમયે ઉપસ્થિત જુદી જુદી પરિસ્થિતિનો લાભ લેવાની તક આપતા નથી. પાવર એક્સચેન્જીસ બજારના સહભાગીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જેના દ્વારા તેઓ પાવરની ખરીદી અને વેચાણ કરી તેમના ઊર્જા પોર્ટફોલિયોનું અસરકારક સંચાલન કરી શકે છે. એચપીએક્સ વિકાસને આગળ ધપાવશે અને વીજળીના સ્પોટ ટ્રેડિંગ ક્ષેત્રે પ્રગતિ કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.
બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું હતું કે એચપીએક્સની એવી સંકલ્પના છે કે તે અત્યાધુનિક ટેકનોલોજી મારફતે બજારને વધુ સક્ષમ બનાવશે અને પાવર માર્કેટ માટે વધુમાં વધુ મૂલ્યસર્જન કરશે. કટિંગ એજ ટેકનોલોજી સોલ્યુશન્સ, કાર્યક્ષમ પ્રાઈસ મિકેનીઝમ અને એક્સચેન્જ ખાતેની ઓફર કરાઈ રહેલી સર્વિસીસ દેશના પાવર માર્કેટમાં વિશેષ છાપ અંકિત કરશે. બીએસઈ એચપીએક્સ મારફત ટેકનોલોજી આધારિત કાર્યક્ષમ પાવર માર્કેટ સર્જવા માગે છે.
અત્યારે દેશના પાવર ક્ષેત્રે મોટા ફેરફાર થઈ રહ્યા છે, જ્યાં ઊર્જા ઉત્પાદનમાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો સતત વધી રહ્યો છે. વધુમાં, પવન અને સૂર્ય ઊર્જાનું ટૂંકી મુદતનું ટ્રેડિંગ પણ શરૂ થવાને આરે છે, એટલે ખરીદદારો અને વેચાણકર્તાઓ બંનેને વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે. એચપીએક્સ ઓછા ખર્ચે ટ્રેડિંગ કરવાની સવલત પૂરી પાડીને માગ અને પુરવઠા વચ્ચેના ગેપને પૂરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.