BSEના કોન્સોલિડેટેડ ચોખ્ખા ત્રિમાસિક નફામાં રૂ. 32.48 કરોડનો વધારો

મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEના 30 જૂન, 2020ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ.32.48 કરોડ થયો છે. પાછલા વર્ષના સમાન ગાળા અંતે રૂ.1.91 કરોડની ખોટ થઈ હતી એ જોતાં ચોખ્ખો નફો રૂ.34.39 કરોડ વધ્યો છે. સ્ટેન્ડએલોન ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.1.59 કરોડથી રૂ.30.75 કરોડ વધીને રૂ.32.34 કરોડ થયો છે, એમ એક્સચેન્જે જાહેર કરેલાં અનઓડિટેડ ફાઈનાન્સિયલ રિઝલ્ટમાં જણાવાયું હતું.

સ્ટાર મ્યુચ્યુઅલ પ્લેટફોર્મ પર પ્રોસેસ કરાયેલા ટ્રાન્ઝેક્શન્સમાં 30 જૂન, 2020ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન આગલા સમાન ગાળાની તુલનાએ 52 ટકાનો વધારો થયો છે. આ ગાળા દરમિયાન ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા જૂન, 2019 અંતેના ત્રિમાસિક ગાળાના 122 લાખથી વધીને 186 લાખની થઈ છે.

ઉક્ત ત્રિમાસિક ગાળા દરમિયાન ઈક્વિટી સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર 30 જૂન, 2019 અંતેના રૂ.2,683 કરોડથી 39 ટકા વધીને રૂ.3724 કરોડ થયું છે.

BSEના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે સતત નવું કરતા રહેવાનો BSEનો ઉત્સાહ મેમ્બર્સને આ કપરા સમયમાં પણ નવી નવી સર્વિસીસ ઉપલબ્ધ કરાવી રહ્યો છે. BSEએ વીકલી કોન્ટ્રેક્ટની એક્સપાયરી સોમવાર પર શિફ્ટ કરી એને રોકાણકારોનો અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો છે અને પરિણામે BSEના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના વિકાસના નવા તબક્કાનો પ્રારંભ થયો છે. મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં ઈ-કેવાયસી, હેલ્થ અને લાઈફ ઈન્સ્યુરન્સ આદિ સર્વિસીસ દાખલ કરવામાં આવી છે.