મુંબઈઃ વડા પ્રધાનના ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને પુષ્ટિ આપતી ઘટનામાં દેશના અગ્રણી અને વૈવિધ્યપૂર્ણ એક્સચેન્જ BSEએ ગોલ્ડની એક પછી એક ડિલિવરીઝ BSE-BIS ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ હેઠળ પાર પાડી છે. એક્સચેન્જે ગોલ્ડ અને સિલ્વરની રૂ.1 કરોડથી અધિકના ઓપ્શન્સ ઈન ગુડ્સ ફ્રેમવર્ક હેઠળ ડિલિવરી પાર પાડી છે. આ સતત છઠ્ઠા મહિને એક્સચેન્જે સફળતાપૂર્વક ગુજરાતના અમદાવાદ ખાતેના નિયુક્ત વોલ્ટથી ડિલિવરી પાર પાડી છે. રિફાઈન્ડ ગોલ્ડ ડિલિવરીઝ એક્સચેન્જના પ્લેટફોર્મ પર પાર્કર પ્રેસિયસ મેટલ્સ એલએલપી દ્વારા કરવામાં આવી હતી. એ ઉપરાંત બીએસઈએ એક્સચેન્જના પ્લેટફોર્મ પર સિરિયલ નંબરવાળા ગોલ્ડ બાર્સ ડિલિવર કરવા એમ. ડી. ઓવરસીઝ પ્રા. લિ., ઓગમોન્ટ એન્ટરપ્રાઈઝીસ અને સોવેરિન મેટલ્સ લિ.ને પેનલમાં સ્થાન આપ્યું છે.
અગાઉ બીએસઈ તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગોલ્ડ કોન્ટ્રેક્ટના સેટલમેન્ટ માટે માત્ર લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન દ્વારા એપ્રુવ કરાયેલી સિલ્વર અને ગોલ્ડ બાર્સનો સ્વીકાર કરતું હતું. હવે એક્સચેન્જ લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનના ધોરણ પ્રમાણે સ્થાપિત અમદાવાદ વોલ્ટમાંથી ડિલિવરી પૂરી પાડે છે.
આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે ભારતીય રિફાઈન્ડ ગોલ્ડના સ્વીકારથી બજારમાં સામેલગીરી વધશે અને મેમ્બર્સ દ્વારા પૂરા પાડવામાં આવતા ગોલ્ડની ડિલિવરીઝ વધુ સ્વીકાર્ય બનશે.