અમદાવાદઃ દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ મળી આવ્યા પછી વિશ્વભરનાં બજારો કડાકો બોલી ગયો હતો. વૈશ્વિક માર્કેટને પગલે ભારતીય બજારો પણ તૂટ્યાં હતાં. નિફ્ટી 509.80 પોઇન્ટ તૂટીને 17,026ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે BSE સેન્સેક્સ 1687 પોઇન્ટ તૂટીને 57,107ના મથાળે બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ પણ 1300 પોઇન્ટ કરતાં વધુ તૂટ્યો હતો. જેથી ઇન્ડિયન વોલેટિલિટી ઇન્ડેક્સ વધીને 25 ટકાએ પહોંચ્યો હતો.
BSE સેન્સેક્સ 19 ઓક્ટોબરે 62,245ની ટોચની ઊંચાઈ સર કરી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સે ત્યારે 18,604ના સ્તરે નવો રેકોર્ડ બનાવ્યો હતો. એ પછી બંને ઇન્ડેક્સોમાં આશરે આઠ ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. આ દરમ્યાન રોકાણકારોએ આશરે રૂ. 14 લાખ કરોડની સંપત્તિ ગુમાવી છે. જ્યારે રોકાણકારોના એક દિવસમાં 7.35 લાખ કરોડ ડૂબ્યા હતા.
બજારમાં રિયલ્ટી, મેટલ્સ, બેન્ક્સ અને ઓટો શેરોમાં ભારે વેચવાલી હતી. આ સાથે ફાર્મા શેરોમાં થોડી તેજી હતી. કોટક સિક્યોરિટીઝના ઇક્વિટીના રિસર્ચના વડા શ્રીકાંત ચૌહાણે કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે ચિંતા વધવાને કારણે બજારમાં ઝડપી ઘટાડો થયો હતો. તેમણે કહ્યું હતું કે કોરોના નવા વેરિયેન્ટથી ફરી લોકડાઉન અને યાત્રા પ્રતિબંધોને લઈને ચિંતા વધતાં બજારમાં કડાકો બોલી ગયો હતો.
આ ઉપરાંત વિશ્વન અનેક દેશોમાં ફુગાવાને લઈને ચિંતામાં વધારો થયો હતો. આ સપ્તાહે વિદેશી રોકાણકારોએ ચોખ્ખી વેચવાલી કરી હતી. એશિયાના અન્ય બજારોમાં ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ ઇન્ડેક્સ, હોંગકોંગના હેંગસેંગ, દક્ષિણ કોરિયા કોસ્પિ અને જાપાનનો નિક્કી 2.67 ટકા સુધી ઘટ્યા હતા.