બિટકોઇન ફરી 30,000-ડોલરને પારઃ આઇસી15-ઇન્ડેક્સ 1,078-પોઇન્ટ વધ્યો

મુંબઈઃ અમેરિકામાં સ્ટોક્સમાં થયેલી વૃદ્ધિ તથા ડિજિટલ કરન્સી માટે સાનુકૂળ ખરડો રજૂ કરવાની ઘટનાને પગલે બુધવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. જોકે, દિવસમાં પછીથી ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે. વિશ્લેષકોનું માનવું છે કે રોકાણકારો તેજીના સોદા ટકાવી રાખવા અસમર્થ નીવડશે એવું જણાય છે. અમેરિકામાં બુધવારે સ્ટોક્સ ફ્યુચર્સ ઘટાડો દર્શાવી રહ્યા છે.

બિટકોઇન ફરી એક વાર 30,000 ડોલરનો આંક પાર કરી ગયો છે. તેમાં આશરે ત્રણ ટકાની વૃદ્ધિ થઈ છે. ઈથેરિયમમાં લગભગ અઢી ટકાનો વધારો થઈને ભાવ 1,807 ડોલરની નજીક પહોંચ્યો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.78 ટકા (1,078 પોઇન્ટ) વધીને 39,809 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,731 ખૂલીને 41,171 સુધીની ઉપલી અને 38,316 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. આ ઇન્ડેક્સની લગભગ તમામ ઘટક કરન્સીના ભાવમાં વધારો નોંધાયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
38,731 પોઇન્ટ 41,171 પોઇન્ટ 38,316 પોઇન્ટ 39,809 પોઇન્ટ

ડેટાનો સમયઃ 8-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)