મુંબઈઃ વ્યાપાર ક્ષેત્રે ચીનને એક વધુ ફટકો મળી શકે છે. ટાટા ગ્રુપ ભારતની ઓનલાઈન ગ્રોસરી ડિલીવરી સર્વિસ કંપની બિગબાસ્કેટમાં 68 ટકા હિસ્સો ખરીદવા વિચારે છે. સૂત્રોનું કહેવું છે કે આ હિસ્સો ખરીદવા માટે ટાટા ગ્રુપ રૂ. 9,500 કરોડ ખર્ચશે અને બેંગલુરુસ્થિત સ્ટાર્ટઅપ કંપની બિગબાસ્કેટમાં મૂડીરોકાણ કરવા માટે એણે સોદો કરી લીધો છે. ટાટા ગ્રુપ આ રીતે ભારતમાં ઝડપથી વિકાસ પામી રહેલા ઈ-કોમર્સ સેક્ટરમાં પોતાનો પગપેસારો ફેલાવવા માગે છે.
Image courtesy: PinClipart
ટાટા ગ્રુપ બિગબાસ્કેટમાં મેજોરિટી અંકુશ મેળવવા ઈચ્છે છે. બિગબાસ્કેટમાં અનેક કંપનીઓએ મૂડીરોકાણ કર્યું છે અને એમાંની એક છે ચીનના અબજોપતિ જેક માની માલિકીની અલીબાબા. જો ટાટા ગ્રુપ મેજોરિટી અંકુશ મેળવશે તો દેખીતી રીતે જ અલીબાબા ગ્રુપે પોબારા ગણવા પડશે. અલીબાબા ગ્રુપ હાલ બિગબાસ્કેટમાં 27.58 ટકા હિસ્સો ધરાવે છે. આ સોદાના અહેવાલો વિશે ટાટા ગ્રુપ, બિગબાસ્કેટ કે અલીબાબા તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
