નવી દિલ્હી: કોરોના વાઈરસ મહાબીમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે સાવ ધીમી પડી ગયેલી દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવવા માટે કેન્દ્ર સરકારે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ નામક આ યોજના હેઠળ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ દેશના કુલ જીડીપીના લગભગ 10 ટકા જેટલું છે.
આ આર્થિક પેકેજને અલગ રીતે સમજીએ…આ રકમને ડોલરમાં ફેરવી દઈએ તો 266 અબજ ડોલર જેટલી થાય છે. પાકિસ્તાનનો જીડીપી 320 અબજ ડોલર છે. એ હિસાબે આપણું આર્થિક પેકેજ પાકિસ્તાનના વાર્ષિક કુલ જીડીપીના 83 ટકા જેટલું છે. જો કે માત્ર પાકિસ્તાન જ નહીં પણ વર્લ્ડ બેંકના જીડીપી ઈન્ડિકેટરના હિસાબે આ આંકડો અન્ય 149 દેશોના કુલ વાર્ષિક જીડીપી કરતા પણ વધારે છે. આ દેશોમાં પાકિસ્તાન, વિયેતનામ, પોર્ટુગલ, ગ્રીસ, રોમાનિયા અને ન્યુઝીલેન્ડ વગેરેનો સમાવેશ થાય છે.
મોદી સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજની તુલના પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સાથે કરીએ તો વર્ષ 2019માં પાક સરકારે 7022 અબજ પાકિસ્તાની રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતુ, ભારતીય રૂપિયામાં આ લગભગ 3.30 લાખ કરોડ આસપાસ થાય છે. ભારતનું રાહત પેકેજ પાકિસ્તાનના બજેટથી લગભગ 6 ગણું વધારે છે.
20 લાખ કરોડ રૂપિયાના આ પેકેજથી સુસ્ત અર્થવ્યવસ્થાને એક નવી ગતિ મળવાની આશા છે. વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ પર વધુ ભાર આપ્યો છે જેથી ભવિષ્યમાં કોવિડ19 જેવા સંકટોનો સરળતાથી સામનો કરી શકાય. વડાપ્રધાને એમ પણ કહ્યું કે, રોકાણકારોને આકર્ષિત કરવા અને ‘મેક ઈન ઈન્ડિયા’ને મજબૂત કરવાના ઉપાયો શોધવા જોઈએ.