નવી દિલ્હીઃ દેશના એવિએશન ક્ષેત્રમાં સુરક્ષા દેખરેખ માટે રચાયેલી સંસ્થા બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)ના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસનનું કહેવું છે કે દેશના વિમાનીમથકો ખાતે વિમાન પ્રવાસીઓનાં સામાનમાંથી દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં, આશરે 25,000 જેટલી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતી હોય છે. એને કારણે સુરક્ષાકર્મીઓને ઘણો બધો સમય લાગી જતો હોય છે.
હસને કહ્યું કે, સુરક્ષા મામલે એક પણ ભૂલ થાય એ પાલવે નહીં. પ્રવાસીઓએ પોતે જ એમનાં સામાનમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ રાખવાનું બંધ કરવું જોઈએ, કારણ કે એનાથી બધાયનો સમય બચી જશે. એવિએશન વિભાગે 31 જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી દેશમાં ‘એવિએશન સિક્યુરિટી કલ્ચર વીક’નું આયોજન કર્યું છે.
