નવી દિલ્હીઃ દૂધની વધતી માગ વચ્ચે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે (GCMMFએ) વર્ષ 2023-24 માટે આવકમાં 20 ટકા વધારા સાથે ટર્નઓવર રૂ. 66,000 કરોડ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. કંપનીએ નાણાં વર્ષ 2022-23માં રૂ. 55,055 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જે પાછલા વર્ષની તુલનામાં 18.5 ટકા વધુ છે, એમ કંપનીના MD જયેન મહેતાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અપેક્ષા છે કે બધાં ઉત્પાદનોનું વેચાણ આ ઝડપે થતું રહેશે. ઉત્પાદનોની માગ હવે અસંગઠિત ક્ષેત્રથી સંગઠિત કંપનીઓ તરફથી આવી રહી છે. તેમણે કહ્યું હતું કે ફેડરેશન ઓર્ગેનિક ફૂડ અને ખાદ્ય તેલના વેપારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે હાલના નાના પાયે ચાલી રહ્યા છે. દૂધની કિંમતો વિશે તેમણે કહ્યું હતું કે હાલમાં અમારી દૂધની કિંમતો વધારવાની કોઈ યોજના નથી. ગયા વર્ષે પડતર ખર્ચમાં 15 ટકાનો વધારો થયો હતો, જેનાથી સહકારી સમિતિને ગયા વર્ષે રિટેલ કિંમતોમાં વધારો કરવા માટે મજબૂર થવું પડ્યું હતું. GCMMFએ કોવિડને કારણે વર્ષ 2020 અને 2021માં કિંમતોમાં વધારો નહોતો કર્યો, પણ ગયા વર્ષે કિંમતો વધારવી અમારી મજબૂરી હતી, એમ તેમણે કહ્યું હતું.
હાલ ખેડૂતોને સારી કિંમતો મળી રહી છે. દૂધના પુરવઠામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વળી, દક્ષિણ ભારતમાં પણ સીઝન ચાલુ થવાની હોવાથી પુરવઠામાં વધારો થવાની વકી છે. વળી, નજીકના ભવિષ્યમાં માગ-પુરવઠો સંતુલિત રહેશવાની ધારણા છે. GCMMF હાલમાં દેશભરમાં 98 ટકા દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ ધરાવે છે, જેની સ્થાપિત ક્ષમતા પ્રતિદિન 470 લાખ લિટર છે. કંપની પ્રતિદિન સરેરાશ 270 લાખ લિટર દૂધની આવક કરે છે.