નવી દિલ્હીઃ ડેરી પ્રોડ્ક્ટસમાં અગ્રેસર અમૂલ ડેરીને પોતાની બ્રાન્ડનેમ બચાવવા કેસ કરવાં પડ્યાં છે. આ નામથી જ અંડરવેયર, ટ્રેક્ટર, અને અન્ય સામાન વેચવાની મંજૂરી આપવા મામલે તેણે દેશની પાંચ ટ્રેડમાર્ક રજિસ્ટ્રી ઓફિસ વિરૂદ્ધ જંગ છેડી છે. અમૂલ અથવા તેને મળતા આવતા નામના ટ્રેડમાર્ક આપવા માટે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને અમદાવાદ રજિસ્ટ્રી ઓફિસ વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં અમૂલ આ પ્રકારના મામલાઓમાં ઘણીબધી કંપનીઓ અથવા તો અન્ય બ્રાંડને કોર્ટમાં પડકાર આપી ચૂકી છે, જેમાં તેને જીત મળી છે.
કોર્ટ ડોક્યુમેંટ અનુસાર હમણા જ દાખલ કરવામાં આવેલી એક અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અમૂલને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અપીલેટ બોર્ડની 2015ની જાણીતી ટ્રેડમાર્ક લિસ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. આમ છતાં ભળતાંમળતાં આવતાં નામોને રજિસ્ટ્રેશનની મંજૂરી આપવામાં આવી. આ લિસ્ટ ટ્રેડમાર્ક ઓફિસોની વેબસાઈટ પર રહે છે જેથી અન્ય કંપનીઓ આની સાથે મળતા આવતા નામોથી કોઈપણ પ્રકારની પ્રોડક્ટ લોન્ચ ન કરી શકે. લિસ્ટમાં ફોર્ડ, ટોયોટા, ગૂગલ, નેસલ, માઈક્રોસોફ્ટ, અને પેપ્સી સહિત આશરે 70 જેટલી બ્રાંડેડ કંપનીઓ છે. કાયદાના જાણકારોનું માનીએ તો અમૂલ મામલે કોર્ટનો જે પણ નિર્ણય આવશે તેની અસર આ તમામ કંપનીઓ પર પડશે.