નવી દિલ્હીઃ સક્રિય યુઝર્સને મામલે એરટેલે રિલાયન્સ જિયોને પાછળ છોડી છે. એરટેલના જૂનમાં 37 લાખ સક્રિય મોબાઇલ યુઝર્સ હતા. રિલાયન્સ જિયો ઇન્ફોકોમે જૂનમાં 21 લાખ સક્રિય સબસ્ક્રાઇબર્સ ગુમાવ્યા હતા. આ સિવાય વોડાફોન આઇડિયાને સૌથી વધુ નુકસાન ભોગવવું પડ્યું હતું અને કંપનીએ 37 લાખ સક્રિય યુઝર્સ ગુમાવ્યા હતા, એમ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ માહિતી આપી હતી.
એરટેલ નંબર વન
એરટેલનો સક્રિય મોબાઇલ યુઝર બેઝ વધીને 31.1 કરોડ થઈ ગયો છે, જ્યારે જિયોનો 31 કરોડ અને વોડાફોનનો 27.3 કરોડનો રહ્યો છે. ટ્રાઇએ કહ્યું હતું કે મેમાં જિયોથી પાછળ થયા પછી એરટેલે ફરી એક વાર સક્રિય મોબાઇલ સબસ્ક્રાઇબર માર્કેટમાં નંબર વનની પોઝિશન હાંસલ કરી છે.
VLRથી વાસ્તવિક માહિતી
વિઝિટર લોકેશન રજિસ્ટર અથવા VLR દ્વારા કોઈ મોબાઇલ નંબરનો યુઝ કરી રહેલા સક્રિય સબસ્ક્રાઇબર્સના રિયલ નંબર્સ વિશે માલૂમ પડે છે. ટ્રાઇના તાજા આંકડા મુજબ એરટેલના 98.14 ટકા યુઝર્સ એક્ટિવ રહ્યા, જ્યારે Viના 89.49 અને જિયોના 78.15 ટકા યુઝર્સ સક્રિય રહ્યા.