ત્રણ દિવસની નરમાઈ પછી શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં 346 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં ત્રણ દિવસની નરમાઈ પછી આજે ઉછાળો આવ્યો હતો. હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી આવી હતી, પરિણામે સેન્સેક્સ અને નિફટીમાં જબરો ઉછાળો આવ્યો હતો. એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટના પોઝિટિવ ન્યૂઝ હતા, તેમજ મંદીવાળા ખેલાડીઓએ પોતાના વેચાણો કાપ્યા હતા. કંપનીઓના સેકન્ડ કવાર્ટર પરિણામો પ્રોત્સાહક આવી રહ્યા છે, જેથી આજે બુલ ઓપરેટરોએ નીચા મથાળે નવી લેવાલી કાઢી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 346.38(1.06 ટકા) ઉછળી 33,106.82 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 96.70(0.96 ટકા) ઉછળી 10,214.75 બંધ થયો હતો.

ઈન્ફોસીસ, એસબીઆઈ, એચડીએફસી, ઓએનજીસી, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટીસીએસ જેવા હેવીવેઈટ્સમાં નવી લેવાલીના ઓર્ડર આવ્યા હતા. આજે નિફટી 50માં રહેલા શેરોમાંથી 37 શેરના ભાવ ઊંચકાયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ ઘટ્યો હતો. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી. બુધવારે એફઆઈઆઈએ રૂ.381 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું, તો સામે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂ.869 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. શેરબજારના ટેકનિકલ એનાલીસ્ટોના મતે માર્કેટમાં ત્રણ દિવસ પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. જે પછી નવી લેવાલીથી તેજીની આગેકૂચ જળવાઈ છે. સેન્સેક્સમાં 32,300નું લેવલ તૂટે તો જ શેરબજારમાં મંદી થશે. અન્યથા દરેક ઘટાડા પચાવીને શેરબજારમાં તેજીની આગેકૂચ જળવાશે.

  • આજે તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેના ઈન્ડેક્સ પ્લસ બંધ રહ્યા હતા.
  • બેંક, આઈટી, મેટલ, પીએસયુ, ટેકનોલોજી અને કેપિટલ ગુડઝ સેકટરના શેરોના ભાવમાં વધુ ઉછાળો આવ્યો હતો.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી નિકળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 175.42 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 189.46 ઊંચકાયો હતો.
  • આઈઆઈએફએલની સબસિડિયરી કંપની 5 પૈસા કેપિટલનું આજે નિરુત્સાહી લિસ્ટીંગ થયું છે. શેર પ્રિઓપનિંગમાં રૂ.400 સેટલ થયા પછી 5 ટકાની લોઅર સર્કિટમાં ગયો હતો. હવે તે આગામી 10 દિવસ ટ્રેડ ટુ ટ્રેડમાં રહેશે.