નવી દિલ્હીઃ માલદીવમાં ટૂંક સમયમાં ભારતની UPI સિસ્ટમ શરૂ થશે. એનાથી માલદીવની કરન્સીને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત અને માલદીવે દેશમાં એકીકૃત ચુકવણી ઇન્ટરફેસ શરૂ કરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે, જેની એના પર્યટન ક્ષેત્ર પર બહુ હકારાત્મક અસર પડશે.
માલદીવમાં જયશંકરની ત્રિદિવસીય સત્તાવાર યાત્રા દરમ્યાન શુક્રવારે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે માલદીવમાં ડિજિટલ ચુકવણી પદ્ધતિ શરૂ કરવા માટે નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને માલદીવના આર્થિક વિકાસ અને વેપાર મંત્રાલયની વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.NPCI દ્વારા વિકિસત UPI મોબાઇલ ફોનના માધ્યમથી આંતર બેન્ક લેવડદેવડનૂ સુવિધા માટે એક ત્વરિત વાસ્તવિક ચુકવણી પ્રણાલી છે. વિદેશપ્રધાને કહ્યું હતું કે ભારતે UPIના માધ્યમથી ડિજિટલ લેવડદેવડમાં ક્રાંતિ લાવી દીધી છે. એ વાત પર ભાર આપતાં તેમણે કહ્યું હતું કે એણે ભારતમાં નાણાકીય સમાવેશને નવા સ્તરોએ પહોંચાડી છે. આજે વિશ્વના 40 ટકા ડિજિટલ ચુકવણી અમારા દેશમાં થાય છે. મને એ જાણીને ખુશી થઈ રહી છે કે આજે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની સાથે અમે માલદીવમાં આ ડિજિટલ સંશોદન લાવવાની દિશામાં પહેલું કદમ ભર્યું છે. હું બંને પક્ષોના સ્ટેકહોલ્ડરોને શુભકામનાઓ આપું છું અને આશા કરું છે કે અમે ટૂંક સમયમાં UPI લેવડદેવડ જોઈ શકીશું. એનાથી પર્યટન ક્ષેત્રે બહુ સકારાત્મક અસર પડશે. પર્યટન માલદીવ માટે આર્થિક કામગીરીનો મુખ્ય સ્રોત છે.