મુંબઈઃ ઈન્ડિયા INXના ગિફ્ટ સિટી ખાતે આવેલા ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC)માંના ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ (GSM) પર એક આંતરરાષ્ટ્રીય સંસ્થા એશિયન ડેવલપમેન્ટ બેન્કે તેના 10 વર્ષની મુદતનાં ત્રણ અબજ રૂપિયાનાં મસાલા બોન્ડ્સને લિસ્ટ કર્યાં છે. 2030માં પાકતાં 6.15 ટકાનાં આ બોન્ડ્સ S&P અને મૂડીઝનું ટ્રિપલ A રેટિંગ ધરાવે છે.
ઈન્ડિયા INXના પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 48.5 અબજ યુએસ ડોલરની મીડિયમ ટર્મ નોટ્સ અને 24.5 અબજ ડોલરનાં બોન્ડ્સ લિસ્ટ થયાં છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કનાં મસાલા બોન્ડ્સ લક્ઝમબર્ગ અને ઈન્ડિયા INXમાં લિસ્ટેડ છે.
ત્રણ અબજ રૂપિયાનાં મસાલા બોન્ડ્સના સફળ લિસ્ટિંગ સાથે અમે એશિયન ડેવલપમેન્ટ બેન્કનું સ્વાગત કરીએ છીએ, એમ ઈન્ડિયા INXના CEO વી. બાલાસુબ્રહ્મણિયને કહ્યું હતું.
ઉક્ત લિસ્ટિંગ ઉપરાંત ઈન્ડિયા INX તાજેતરમાં ડીઆર ફ્રેમવર્ક અને આરઈઆઈટીઝ ફ્રેમવર્ક ઈશ્યુ કર્યું છે, જેને IFSCA દ્વારા માન્યતા આપવામાં આવી છે. આના પગલે ઈન્ડિયા INXમાં ગ્લોબલ ડિપોઝિટરી રિસીપ્ટ્સ લિસ્ટ કરી શકાશે. આના પગલે વિશ્વના રોકાણકારો દેશના ઈક્વિટી બજારમાં લાંબા ગાળાનું રોકાણ કરી શકશે.