ઇન્દોરઃ પોર્ટની સાથે-સાથે ઊર્જા ક્ષેત્રમાં વિસ્તરણ કરી રહેલા અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે તેની ખનિજ એન્વેષણ, ઊર્જા, કૃષિ, રિન્યુએબલ ઊર્જા અને કોલસાં ક્ષેત્રોમાં રૂ. 60,000 કરોડના મૂડીરોકાણની યોજના છે. જોકે ગ્રુપે આ મૂડીરોકાણની સમયમર્યાદા નથી જણાવી.
ઇન્દોરમાં બે દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (GIS)ના પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની સાથે અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્યું હતું કે ગ્રુપની ખનિજ, ઊર્જા, રિન્યુએબલ એનર્જી અને કોલસાનાં ક્ષેત્રોમાં રૂ. 60,000 કરોડના મૂડીરોકાણની યોજના છેં, એમ એક સત્તાવાર જાહેરાતમાં એ વાત કહેવામાં આવી છે.
મુખ્ય પ્રધાને અદાણીને સ્થાનિક યુવાઓને નોકરીમાં પ્રાથમિકતા આપવા માટે જણાવ્યું હતું. એના પર અદાણીએ કહ્યું હતું કે એ અમારી ફરજ છે. ગ્રુપ રાજ્યના યુવાઓને તાલીમ આપવા માટે કૌશલ વિકાસ કેન્દ્ર ચલાવશે અને મધ્ય પ્રદેશમાં એક હોસ્પિટલ સ્થાપવાની પણ યોજના છે. ચૌહાણે જણાવ્યું હતું કે તેમણે રાજ્યમાં ફૂડ એકમ સ્થાપિત કરવાની સંભાવનાની પણ ચકાસી હતી.