પટનાઃ બિહારમાં મૂડીરોકાણ આકર્ષવા માટે બે દિવસીય બિહાર બિઝનેસ કનેક્ટ-2023 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગ મંત્રી સમીરકુમાર મહાસેઠે કહ્યું હતું કે બે દિવસીય વૈશ્વિક મૂડીરોકાણ શિખર સંમેલનમાં અદાણી ગ્રુપ, ગોદરેજ ગ્રુપ અને બ્રિટાનિયા જેવા મુખ્ય ઓદ્યૌગિક જૂથોના પ્રતિનિધિઓ સહિત કુલ 600 પ્રતિનિધિઓ ભાગ લેશે.
આ સંમેલનમાં અમેરિકા, તાઇવાન, જાપાન અને જર્મની સહિત 16 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ સંમેલનમાં બુધવારે (13 ડિસેમ્બરે) ટેક્સટાઇલ, લેધર ફૂડ પ્રોસેસિંગગ ક્ષેત્રે રૂ. 26,429 કરોડના મૂડીરોકાણ પર સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ વૈશ્વિક મૂડીરોકાણ શિખર સંમેલનના પહેલા દિવસે રાજ્ય સરકારે 38 કંપનીઓ સાથે સમજૂતી કરાર કર્યા છે.
બિહારમાં અદાણી જૂથ લોજિસ્ટિક્સ, ગેસ ડિસ્ટ્રિબ્યુશન અને એગ્રી-લોજિસ્ટિક્સ સેક્ટરમાં હાજરી ધરાવે છે. અદાણી ગ્રુપે રાજ્યમાં આશરે રૂ. 850 કરોડનું મૂડીરોકાણ કર્યું છે અને 3000 રોજગારીનું સર્જન કર્યું છે. ગ્રુપની આવનારા ભવિષ્યમાં મૂડીરોકાણ 10 ગણું વધારીને રૂ. 8700 કરોડ કરવાની યોજના છે. કંપનીનું ત્રણ વધારાના ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવાનું આયોજન છે અને કંપનીએ યોજના થકી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10,000 નોકરીઓની તકો ઊભી કરવા ધારે છે. આ ઉપરાંત કંપની પોતાના ગોદામોને એક લાખ સ્કવેર ફૂટથી વધારીને 65 લાખ સ્ક્વેર ફૂટથી વધુ કરવા માટે વધારાના રૂ. 1200 કરોડનું મૂડીરોકાણ કરશે, જેમાં 2000 લોકોને રોજગારીની તક મળશે. કંપની આ સિવાય રાજ્યમાં છ જગ્યાએ- પૂર્ણિયા, બેગુસરાય, દરભંગા, સમસ્તીપુર, કિશનગંજ અને અરરિયામાં સ્ટોરેજ ક્ષમતાને 1.50 મેટ્રિક ટનથી વધારીને 2.75 લાખ મેટ્રિક ટન કરવા માટે એગ્રી-લોજિસ્ટિક્સમાં રૂ. 900 કરોડનું મૂડીરોકાણ કરવા ધારે છે, જેમાં 2000 લોકોને રોજગારીની તકો મળશે.
આ ઉપરાંત કંપની ગયા અને નાલંદામાં હાલના સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 200 કરોડનું મૂડીરોકાણ કરશે. કંપની નવા કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ અને EV ચાર્જિંગ સેન્ટર પણ બનાવશે, જેના થકી 1500 લોકોને રોજગારી મળશે.
ગુપ કંપની અદાણી વિલ્મર થકી પ્રારંભિક તબક્કામાં ચક્કી આટા પ્લાન્ટ, RFM પ્લાન્ટ, સોલ્વન્ટ એક્સટ્રેક્શન પ્લાન્ટ, કો-જેન પાવર પ્લાન્ટ અને સાસારામ અને રોહતાસમાં પૈડી પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે રૂ. 800 કરોડનું મૂડીરોકાણ કરશે. આ પ્લાન્ટ પણ 200 લોકોને રોજગારી આપશે.
આ સમિટનું આયોજન કરવા બદલ કંપનીના MD પ્રણવ અદાણીએ બિહાર સરકારને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે બિહારના નેતાઓ- મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને ડેપ્યુટી મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ બિહારને આકર્ષક ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશનમાં બદલી રહ્યા છે, એ ખુશીની વાત છે.
વર્ષ 2003માં વિશ્વના સૌથી મોટા મુંદ્રા પોર્ટને ખાનગી રેલ લિન્કનું ઉદઘાટન પણ નીતીશકુમારે કર્યું હતું અને ખાનગી ક્ષેત્રના પોર્ટ્સમાં રેલ લિન્કને પ્રોત્સાહન આપ્યું હતું. આ ઉપરાંત 20 વર્ષ પહેલાં રેલવેમાં ઇન્ટરનેટ બુકિંગ સિસ્ટમ શરૂ કરવાનું શ્રેય પણ તેમના દૂરંદેશીપણાને જાય છે. આ ઉપરાંત તેજસ્વી યાદવ પણ યુવાઓ અને સૌને લઈને ચાલવાની વાતથી બિહારને ઘણો લાભ થયો છે. મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રીના બિહાર માટેના દ્રષ્ટિકોણની સાથે અદાણી ગ્રુપ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.