લાંચના આરોપ પછી અદાણીએ બોન્ડ ઇશ્યુ રદ કર્યો

નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત સાત લોકો પર લાંચ લેવાનો આરોપ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને રૂ. 2000 કરોડની લાંચ આપવાનું વચન આપ્યું હતું.  

અમેરિકાના સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા છેતરપિંડી અને લાંચના આરોપો મૂકવામાં આવ્યા બાદ અદાણી ગ્રુપે 600 મિલિયન ડોલર અંદાજે રૂ. 5066 કરોડનો બોન્ડ રદ કરવા નિર્ણય લીધો છે. અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા આરોપો મૂકવામાં આવતાં અદાણી ગ્રુપે બોન્ડની કિંમત નક્કી કર્યા બાદ થોડા જ કલાકોમાં તેને રદ કરવાની જાહેરાત કરી છે.

અદાણી પર લાંચની આ રકમ વસૂલવા માટે અમેરિકન, વિદેશી રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો પણ આરોપ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અને વિનીત જૈનનાં નામ પણ આરોપીઓમાં સામેલ છે.

આ મામલે અદાણી ગ્રીને નિવેદન જાહેર કર્યું છે કે અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા અમારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી, સાગર અદાણી વિરુદ્ધ ન્યુ યોર્કની એક US ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપોની નોટિસ મળી છે. યુએસ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે અમારા બોર્ડના સભ્ય વિનીત જૈનને પણ તેમાં સામેલ કર્યા છે. આ ઘટનાને ધ્યાનમાં લેતાં કંપનીએ અદાણી ગ્રીનનો પ્રસ્તાવિત બોન્ડ ઇશ્યુ રદ કરવાનો નિર્ણય લીધો છે.

અમેરિકાના પ્રોસિક્યુટરની ફરિયાદમાં ગૌતમ અદાણીના અદાણી ગ્રુપના સાત અધિકારીઓ જેમાં ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને એજ્યોર પાવર ગ્લોબલ લિ.ના કાર્યકારી સિરિલ કાબેનેસ વિરુદ્ધ આરોપો મૂકવામાં આવ્યા છે. હિન્ડનબર્ગના આરોપોમાં ક્લીનચિટ મળ્યા બાદ અદાણી ગ્રુપ પર લાંચનો આરોપ મૂકવામાં આવતાં જ અદાણીના શેરોમાં 25 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો.

આ અગાઉ હિન્ડનબર્ગે પણ અદાણી ગ્રુપ પર છેતરપિંડી અને શેરમાં ગેરરીતિ કરી રહ્યા હોવાનો આરોપ મૂકતાં કંપનીને તેનો દેશનો સૌથી મોટો ઈશ્યૂ રદ કરવો પડ્યો હતો.