નવી દિલ્હીઃ ભારતીય કંપનીઓએ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં 22 ઇનિશિયલ પબ્લિક ઇશ્યુ (IPO) દ્વારા અઢી અબજ ડોલર એકત્ર કર્યા હતા. દેશના મૂડીબજારમાં તેજીના વલણ દરમ્યાન કંપનીઓ IPO બજારમાં ફંડ એકત્ર કરવા પ્રવેશ કર્યો હતો અને આ વલણ ચાલુ ત્રિમાસિકમાં પણ જારી રહેવાની આશા છે, એમ એક અહેવાલ કહે છે.
EY ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર વર્ષ 2021ના પહેલા ત્રિમાસિક ગાળામાં કન્ઝ્યુમર પ્રોડક્ટ એન્ડ રિટેલ, વિવિધ ઓદ્યૌગિક ઉત્પાદનો, ઓટોમોટિવ અને પરિવહન ક્ષેત્રની કંપનીઓએ IPO લાવવામાં તત્પરતા બતાવી હતી. એ IPO મુખ્ય સિવાય લઘુ અને મધ્યમ કદની કંપનીઓ (SME) માટે વિશેષરૂપે સ્થાપિત બજારમાં લાવવામાં આવ્યા હતા. પહેલો ત્રિમાસિક ગાળો IPO બજારમાં સારો રહ્યો છે અને આ વલણ હાલ જારી રહેવાની ધારણા છે. વર્ષ 2021માં IPOની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે નવમા સ્થાને છે.
પહેલા ત્રિમાસિક ગાળામાં 22 IPO દ્વારા કંપનીઓએ કુલ 257.04 કરોડ ડોલર એકત્ર કર્યા હતા. આમાંથી પાંચ IPO SME ક્ષેત્રની કંપનીઓના હતા. પહેલા ત્રિમાસિકમાં 63.4 કરોડ ડોલરની સાથે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનનો IPO સૌથી મોટો રહ્યો હતો.
BSE અને NSEમાં વર્ષ 2021ના પહેલા ત્રિમાસિક ગાળામાં 17 IPO આવ્યા હતા, જ્યારે વર્ષ 2020ના પહેલા ત્રિમાસિક ગાળામાં એક અને ચોથા ત્રિમાસિક ગાળામાં 10 IPO આવ્યા હતા. આ રીતે BSE અને NSEમાં ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં IPOમાં 1600 ટકાનો વધારો થયો, જ્યારે ચોથા ત્રિમાસિકની તુલનામાં 70 ટકાનો વધારો થયો હતો.
SME બજારમાં પહેલા ત્રિમાસિક પાંચ IPO આવ્યા, જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં 11 અને ચોથા ત્રિમાસિક ગાળામાં નવ IPO આવ્યા હતા. આમ ગયા વર્,ની તુલનાએ SME IPOમાં 55 ટકા અને ચોથા ત્રિમાસિકની તુલનામાં 44 ટકાનો ઘટાડો આવ્યો હતો.