કેન્દ્ર સરકારે રેમેડિસિવિર પર આયાતડ્યુટી માફ કરી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને લીધે કથળતી જતી સ્થિતિમાં સરકારે રેમેડિસિવિર એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇનગ્રિડિયન્ટ-API, ઇન્જેક્શન્સ અને અન્ય સામગ્રીને આયાતડ્યુટીમુક્ત કરી છે. જેથી એના સપ્લાયમાં વધારો થશે, ખર્ચ ઘટશે, જેનાથી દર્દીઓને રાહત મળશે. સરકારે આયાતડ્યુટીમુક્તની મુદત 31 ઓક્ટોબર સુધી કરી છે.

નાણાં મંત્રાલયે ટ્વિટરના માધ્યમથી એક નોટિફિકેશન જારી કર્યું છે, જેમાં કહ્યું છે કે કેન્દ્ર સરકારે રેમેડિસિવિરના ઉત્પાદનમાં વપરાતો કાચો માલ, બીટાસાઇક્લોક્સટ્રિનને છૂટ આપવામાં આવી છે- જોકે  એ શરતોને આધીન છે કે આયાતકાર આ પ્રક્રિયાનું પાલન કરશે અને ઇન્જેક્શન્સને દેશમાં આયાત માટે કસ્ટમમાંથી મુક્ત કરવામાં આવી છે.

વેપાર અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે ટ્વીટ કરીને કહ્યું હતું કે કોવિડ-19ના દર્દીઓને સસ્તી સારવાર મળી રહે એ માટે મોદી સરકારે પ્રાથમિકતા આપીને રેમેડિસિવિર APIની આયાત, ઇન્જેક્શન અને વિશિષ્ટ ઇનપુટ્સને આયાતડ્યુટીમુક્ત બનાવવામાં આવી છે.જેનાથી એના પુરવઠામાં વધારો થઈ શકે અને એ પ્રકારે દર્દીઓને રાહત મળી શકે.

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં રેમેડિસિવિરની અછતની વચ્ચે સાત મુખ્ય ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓએ એન્ટિ-વાઇરલ દવા  MRPમાં ઘટાડો કર્યો હતો.

કંપનીઓએ એન્ટિ-વાઇરલ દવાના  ઘટાડેલા દર અનુસાર રેમેડિસિવિર 100 એમજીના કેડિલા હેલ્થકેર લિ. એની રેમડેક જે પહેલાં રૂ. 2800માં મળતી હતી, એના ઘટાડીને રૂ. 899 કરી દીધા હતા. એ જ રીતે અન્ય કંપનીઓએ પણ એમની એન્ટિ-વાઇરલ દવાની કિંમતોમાં ઘટાડો કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકારો સાથે મળીને કોરોનાની રસી, ઓક્સિજન અને દવાઓ માટે કામ કરી રહ્યું છે.