રૂ. 1000ના મૂલ્યની કરન્સી નોટ કાયમને માટે બંધ કરી દેવાઈ

મુંબઈ – 1990ના દાયકાના અંત ભાગમાં દેશમાં ચલણી નોટોની તંગી દૂર કરવા માટે 1000ના મૂલ્યવાળી કરન્સી નોટો ચલણમાં મૂકવાની ભારતીય રિઝર્વ બેન્કને પરવાનગી આપતા કાયદાને રદ કરી દેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે બિનજરૂરી એવા 58 કાયદાઓને રદ કર્યા હતા. એમાંનો એક કાયદો હતો હાઈ ડીનોમિનેશન બેન્ક નોટ્સ (ડીમોનીટાઈઝેશન) અમેન્ડમેન્ટ એક્ટ, 1998.

ગયા શુક્રવારે સરકારે એક ખરડો સંસદમાં પાસ કર્યો હતો અને 58 નકામા કાયદાઓને કાયદાપોથીઓમાંથી કાયમને માટે દૂર કરી દીધા છે.

1998ના ડિસેંબરમાં એ વખતના નાણાં પ્રધાન યશવંત સિન્હાએ એક ખરડો રજૂ કર્યો હતો જે દ્વારા ભારતીય રિઝર્વ બેન્કને 1000ના મૂલ્યવાળી ચલણી નોટ તાત્કાલિક રીતે ઈસ્યૂ કરવાની પરવાનગી મેળવવામાં આવી હતી. એ કાયદો 1999માં અમલમાં આવ્યો હતો.

2016ની 8 નવેંબરે નરેન્દ્ર મોદી સરકારે મહાત્મા ગાંધી સીરિઝની રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યવાળી ચલણી નોટોને વ્યવહારમાંથી તે પછીની જ મધરાતથી દૂર કરી દીધી હતી.

ત્યારબાદ સરકારે રૂ. 500ની નોટો નવી ડિઝાઈન સાથે અને રૂ. 2000ના મૂલ્યવાળી નોટો પહેલી જ વાર ચલણમાં મૂકી હતી.

આમ, રૂ. 1000ની ચલણી નોટો હવે કોઈ પણ રીતે ચલણમાં રહી નથી.