સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ બુલડોઝર એક્શન અસમોલી થાણા વિસ્તારમાં આવેલા રાયા બુઝુર્ગ ગામે થયું છે. પોલીસ, વહીવટી તંત્રનો દાવો છે કે આ કાર્યવાહી તળાવ પર થયેલા ગેરકાયદે બાંધકામ (મસ્જિદ) વિરુદ્ધ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.
સંભલના SP કે.કે. બિશ્નોઇએ જણાવ્યું હતું કે અહીં તેમને 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. 30 દિવસ બાદ પણ જ્યારે તેમના દ્વારા એને તોડવામાં આવ્યું નહીં તો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેને કોર્પોરેશન દ્વારા તોડવામાં આવશે. આ ગેરકાયદે બાંધકામ હતું. તેમને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. અહીં પોલીસની સંપૂર્ણ વ્યવસ્થા છે. અહીં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ ઘણું મોટું ક્ષેત્ર છે. આ જગ્યા પરનું બાંધકામ અનેક વીઘા જમીન પર કરવામાં આવ્યું હતું.
ગુરુવારે તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને બનાવવામાં આવેલી મસ્જિદ અને એક મેરેજ હોમને ધરાશાયી કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી તંત્ર અનુસાર આ બાંધકામ સરકારી તળાવની જમીન પર ગેરકાયદે રીતે કરવામાં આવ્યું હતું. કાયદો-વ્યવસ્થા જાળવવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે. આ કાર્યવાહી દરમિયાન પેરામિલિટરી ફોર્સ અને પોલીસની અનેક કંપનીઓ સ્થળ પર હાજર રાખવામાં આવી છે.
