ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે.જેમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ, ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનું બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક મળશે. પ્રથમ દિવસની શરૂઆત રાજ્યપાલના ભાષણથી થશે. આ પછી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને તાજેતરમાં અવસાન પામનાર કડીના ધારાસભ્ય સ્વ.કરશન સોલંકી સહિતના ધારાસભ્યોને શોકાજંલિ અપાશે.દિવસના અંતે ફિઝીયોથેરાપી કાઉન્સિલ રદનું અને આરોગ્ય સંસ્થાના રજીસ્ટ્રેશનનું સુધારા વિધેયક રજૂ કરાશે. તો આવતીકાલે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજૂ બજેટ કરશે. જોકે વિધાનસભા દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે.
વિધાનસભા બજેટ સત્રને લઈને શાસક પક્ષના હોલમાં ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રી મંડળના સભ્યો સહિત ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દોઢ મહિનો ચાલનારા વિધાનસભા બજેટ સત્ર દરમિયાન ભાજપની રણનીતિ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું.
વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, નાણામંત્રી કનુ દેસાઈ, ભાજપના વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા અને દાણીલીમડા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ઉપસ્થિતિમાં યોજાઈ હતી. રાજ્યપાલના સંબોધન બાદ ત્રણ બેઠક રાખવામાં આવી છે. તદુપરાંત પૂરક માંગણી માટેની પણ બે ચર્ચા બેઠક બજેટ સત્રમાં યોજવામાં આવવાની છે. બજેટની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે બાર જેટલી બેઠકો વિધાનસભાના બજેટ સત્રમાં યોજાવાની છે.
