બજેટ 2027માં કેપિટલ ગેઇન ટેક્સ ઘટાડવા પર વિચારણા

નવી દિલ્હીઃ છેલ્લાં લગભગ બે વર્ષથી શેરબજારમાં ખાસ તેજી થઈ નથી. હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે કેન્દ્ર સરકાર બજેટ 2027-28માં રોકાણકારોને રાહત આપવાના વિવિધ વિકલ્પો પર ચર્ચા કરી રહી છે. તેમાં શેરમાંથી થનારા લાંબા ગાળાના નફા પર લાગતા ટેક્સ (લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ)માં ઘટાડો કરવો અને વિદેશી રોકાણકારોને રૂપિયાને બદલે ડોલરમાં થયેલા નફાને આધારે ટેક્સની ગણતરી કરવાની સુવિધા આપવાનો સમાવેશ થાય છે.

હાલમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) ટેક્સનો દર 12.5 ટકા છે. સરકારને આશા છે કે આ પગલાંથી શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધશે. સરકારી અધિકારીઓના જણાવ્યાનુસાર સરકાર વહેલી તકે પગલાં લેવા પાછળ બે મુખ્ય કારણો છે. પ્રથમ કારણ એ છે કે છેલ્લાં બે વર્ષમાં રોકાણકારોને શેરબજારમાંથી ખાસ વળતર મળ્યું નથી. બીજી તરફ, આ સમયગાળા દરમિયાન પગારમાં પણ ખાસ વધારો થયો નથી.

શેરબજારમાં સામાન્ય રોકાણકારોની ભાગીદારી વધી

કોરોના મહામારી પછી શેરબજારમાં નાના રોકાણકારોની ભાગીદારી ઝડપથી વધી છે. આ એવા રોકાણકારો છે જેમની પાસે બે લાખ રૂપિયા સુધીના શેર હોય છે. ઘણા લોકો નિયમિત આવક વધારવા અને બચત માટેના અન્ય વિકલ્પો શોધવાના હેતુથી શેરબજારમાં રોકાણ કરવા લાગ્યા છે.

પ્રાઇમ ઇન્ફોબેઝના આંકડા અનુસાર માર્ચ 2020માં એનએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં નાના રોકાણકારોનો હિસ્સો 6.58 ટકા હતો. તે સમયે તેમના શેરનું કુલ મૂલ્ય 7.23 લાખ કરોડ રૂપિયા હતું. જૂન 2024માં આ હિસ્સો વધીને 7.66 ટકા થયો હતો અને શેરનું કુલ મૂલ્ય 33.16 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું. જોકે માર્ચ, 2026માં આ હિસ્સો ઘટીને 7.12 ટકા થયો હતો અને શેરનું મૂલ્ય 28.97 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સીડીએસએલમાં ડીમેટ ખાતાંની સંખ્યા માર્ચ 2020માં 2.12 કરોડ હતી, જે સપ્ટેમ્બર 2026માં વધીને 19.34 કરોડ થઈ ગઈ હતી.જ્યારે સરકારના એક વરિષ્ઠ અધિકારીને પૂછવામાં આવ્યું કે શું શેરબજારને રાહત આપવા માટે કેપિટલ ગેઇન ટેક્સ ઘટાડવા અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવા અંગે વિચારણા થઈ રહી છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે દરેક વિકલ્પ પર ચર્ચા કરી રહ્યા છીએ.