UPI બની વિશ્વની સૌથી મોટી પેમેન્ટ સિસ્ટમ

નવી દિલ્હીઃ ચા પીવી હોય કે શાકભાજી ખરીદવી હોય, ઓનલાઈન શોપિંગ કરવું હોય, કોઈ મિત્રને પૈસા મોકલવાના હોય કે વીજળીનું બિલ ભરવાનું હોય, આજકાલ આ બધાં કામ મોબાઈલથી જ થઈ જાય છે. મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને અથવા દુકાન પર લગાવેલા QR કોડને સ્કેન કરીને થોડી જ સેકન્ડમાં પેમેન્ટ થઈ જાય છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટની આ પદ્ધતિ એટલી સામાન્ય બની ગઈ છે કે ઘણા લોકોએ પોતાની પાસે રોકડ રાખવાનું પણ બંધ કરી દીધું છે.

UPIની સફળતાની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. હવે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે UPI દુનિયાની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની ગઈ છે અને તેના દ્વારા દર મહિને 24000 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યાં છે.

UPI દ્વારા કેટલું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે?

UPIની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. તે સમયે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ આજની જેમ સામાન્ય નહોતો. જોકે ધીમે-ધીમે દુકાનદારોથી લઈને ગ્રાહકો સુધી દરેકે તેને અપનાવવાનું શરૂ કર્યું. હવે નાની રકમની ચુકવણી માટે પણ લોકો UPIનો ઉપયોગ કરે છે. સરકાર દ્વારા ઓગસ્ટ 2026માં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં UPI દ્વારા કુલ 24,162 કરોડ ટ્રાન્ઝેક્શન થયાં હતાં. આ ટ્રાન્ઝેક્શન દ્વારા આશરે રૂ. 314 લાખ કરોડની રકમની લેવડદેવડ થઈ હતી.જ્યારે નાણાકીય વર્ષ 2016-17માં માત્ર 1.78 કરોડ ટ્રાન્ઝેક્શન થયાં હતાં. બીજી તરફ, જુલાઈ 2026માં 2366 કરોડ ટ્રાન્ઝેક્શન થયાં હતાં અને આ મહિના દરમિયાન કુલ રૂ. 29.88 લાખ કરોડની લેવડદેવડ થઈ હતી. આ આંકડા દર્શાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં UPIના ઉપયોગમાં કેટલી ઝડપથી વધારો થયો છે.

યુપીઆઈ આટલું લોકપ્રિય કેમ બન્યું?

યુપીઆઈ લોકપ્રિય થવાનું એક મોટું કારણ તેની સરળ પ્રક્રિયા છે. અગાઉ પૈસા મોકલવા માટે બેંકની વિગતો ભરવી પડતી હતી અથવા રોકડ લઈને જવું પડતું હતું. પરંતુ યુપીઆઈએ આ પ્રક્રિયા સરળ બનાવી દીધી છે.

કેટલા દેશોમાં UPI કાર્યરત છે?

UPI હવે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ કાર્યરત છે. હાલમાં તે 11 દેશોમાં ઉપલબ્ધ છે.  આ દેશોમાં સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ, ભૂતાન, શ્રીલંકા, નેપાળ, સિંગાપોર, મોરેશિયસ, કતાર, કંબોડિયા, ગ્રીસ અને માલદીવનો સમાવેશ થાય છે.