નવી દિલ્હીઃ FY27ના બજેટ માટે “થ્રી C’s” એટલે કે કન્ઝમ્પશન બૂસ્ટ (ખપતમાં વધારો), ફિસ્કલ કોન્સોલિડેશન (રાજકોષીય એકીકરણ) અને કેપેક્સ (મૂડી ખર્ચ) વચ્ચે સંતુલન મુખ્ય થીમ બને એવી શક્યતા છે. FY27માં EPS ગ્રોથ મિડ-ટીન્સને બદલે લો ડબલ-ડિજિટ રહેશે, એટલે કે કમાણીમાં તેજી કરતાં નોર્મલાઇઝેશન જોવા મળશે. આવતા નાણાકીય વર્ષમાં ફાઇનાન્સ અને કન્ઝમ્પશન સેક્ટરમાં વધુ સારી વૃદ્ધિ જોવા મળે એવી શક્યતા છે.
બજેટમાં મુખ્ય મુદ્દા કયા હોઈ શકે?
રાજકોષીય શિસ્ત અને મજબૂતી એક મહત્વપૂર્ણ મુદ્દો રહેશે. એના પર ખાસ ધ્યાન આપવામાં આવશે. અપેક્ષા છે કે ઊંચાં દેવાંના સ્તર છતાં સરકાર રાજકોષીય મજબૂતીના માર્ગ પર અડગ રહેશે. “થ્રી C’s” એટલે કે કન્ઝમ્પશન બૂસ્ટ, ફિસ્કલ કોન્સોલિડેશન અને કેપેક્સ વચ્ચે સંતુલન FY27ના બજેટની મુખ્ય થીમ બની શકે છે.
GST રેશનલાઇઝેશન અને આવકવેરા દાતાઓને મળનારી રાહતનો FY26 અને FY27માં ખપત પર અસર પડશે. અન્ય મહત્વના પરિબળોમાં ગ્રામ્ય માગમાં સુધારો થવાની અપેક્ષા છે, જે સારા મોન્સૂનને કારણે સ્થિર રહેશે. શહેરી રોજગારમાં પણ સુધારો દેખાઈ રહ્યો છે.
સરકારે વર્ષો સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે જાહેર ખર્ચ કરીને મહત્વનું કામ કર્યું છે. આ દરમિયાન પ્રાઇવેટ સેક્ટરના કેપેક્સમાં પણ સુધારાના કેટલાક સંકેતો જોવા મળ્યા છે, જોકે હજી સુધી મોટા પાયે વધારો થયો નથી. અમને લાગે છે કે મજબૂત વૃદ્ધિમાં હજી થોડો સમય લાગી શકે છે, કારણ કે યુટિલાઇઝેશન લેવલ હાલ પણ આશરે 74–75 ટકા આસપાસ છે.
વિશ્વભરમાં વધતા જિયોપોલિટિકલ જોખમોને જોતાં ડિફેન્સ હવે માત્ર એક થીમ નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની ગયો છે. સરકાર દ્વારા સ્વદેશીકરણ અને ડિફેન્સ પર વધુ ફાળવણી પર ધ્યાન આપવાના કારણે આ સેક્ટરની વૃદ્ધિ ચાલુ રહેશે.




