બજેટ 2026: મધ્યમ વર્ગના કરદાતાઓ પર FMનું ખાસ ધ્યાન રહેવાની શક્યતા

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2020માં આવકવેરાની નવી રિજિમ રજૂ કરી હતી. એ  સાથે-સાથે તેમણે જૂની ટેક્સ રિજિમ પણ ચાલુ રાખી હતી. વ્યક્તિગત કરદાતાઓ પાસે જૂની અને નવી રિજિમમાંથી કોઈ એક પસંદ કરવાનો વિકલ્પ છે. શરૂઆતમાં નવી રિજિમ પ્રત્યે કરદાતાઓએ ખાસ રસ બતાવ્યો નહોતો, પરંતુ હવે મોટી સંખ્યામાં વ્યક્તિગત કરદાતાઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે સરકાર સતત નવી રિજિમને વધુ આકર્ષક બનાવવાના પ્રયાસો કરી રહી છે.

નવી રિજિમમાં કરદાતાઓની વધતી રસરુચિ

આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓની સંખ્યા હવે નવ કરોડથી વધુ થઈ ગઈ છે. એસેસમેન્ટ યર 2024-25માં 5.2 કરોડથી વધુ રિટર્ન નવી રિજિમ હેઠળ ફાઇલ કરવામાં આવ્યા હતા. નવી રિજિમમાં મોટા ભાગના એક્ઝેમ્પ્શન અને ડિડક્શન મળતા નથી, પરંતુ તેમાં ટેક્સના દર ઓછા છે. આ રિજિમ ખાસ કરીને તે વ્યક્તિગત કરદાતાઓ માટે લાભદાયી છે, જે ડિડક્શન અને એક્ઝેમ્પ્શનનો મોટો લાભ લેતા નથી.

નવી રિજિમના કરદાતાઓ માટે મોટા એલાન

નવી રિજિમને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને 75,000 રૂપિયા કરી દીધું છે, જ્યારે જૂની રિજિમમાં આ ડિડક્શન 50,000 રૂપિયા છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ માત્ર નોકરિયાત લોકોને મળે છે. યુનિયન બજેટ 2025માં નાણાં મંત્રીએ વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ-ફ્રી જાહેર કરી હતી. નોકરિયાત લોકોને હવે વાર્ષિક 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

 નાણાં મંત્રી કરી શકે છે વધુ રાહતોની જાહેરાત

એક્સપર્ટ્સનું માનવું છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારામન મધ્યમ વર્ગને રાહત આપવા માટે કેટલાંક વધારાનાં પગલાં લઈ શકે છે. નવી રિજિમમાં પણ ટર્મ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ડિડક્શનની મંજૂરી આપી શકે છે, જેથી મોટી સંખ્યામાં કરદાતાઓને લાભ મળશે. એ સાથે-સાથે ટેક્સ સ્લેબને મોંઘવારી સાથે જોડવામાં આવી શકે છે. આમ થવાથી મોંઘવારી વધે ત્યારે લોકો પર ટેક્સનો બોજ ઓછો પડશે અને ખાસ કરીને મધ્યમ વર્ગને મોટો લાભ થશે.