નવી દિલ્હીઃ મોદી સરકાર ત્રીજી ટર્મના પહેલા બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહત આપે એવી શક્યતા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટ 2025માં ITની કલમ 80Cની મર્યાદા રૂ. 1.5 લાખથી વધારીને રૂ. ત્રણ લાખ કરે એવી શક્યતા છે. આ પગલાથી કરોડો કરદાતાઓને મોટી રાહત મળે એવી શક્યતા છે. હાલ જૂની ટેક્સ પદ્ધતિ પસંદ કરવાવાળા કરદાતા આ મર્યાદા હેઠળ ટેક્સ બચાવવાનો લાભ ઉઠાવે છે. જ્યારે નવી ટેક્સ પદ્ધતિ હેઠળ આ સુવિધા ઉપલબ્ધ નથી.
આ પહેલાં કલમ 80Cની મર્યાદા છેલ્લે 2014માં વધારવામાં આવી હતી, જ્યારે તત્કાલીન નાણાપ્રધાન અરુણ જેટલીએ એને રૂ. એક લાખથી વધારીને રૂ. 1.5 લાખ કરી હતી. આ ફેરફાર સરકારના પહેલા બજેટનો એક મુખ્ય ભાગ હતો. છેલ્લા એક દાયકામાં એમાં કોઈ ફેરફાર નથી થયો. ટેક્સપેયર્સ લાંબા સમયથી અપેક્ષા કરી રહ્યા છે કે કલમ 80Cની મર્યાદામાં વધારો કરવામાં આવશે, જેથી આવક અનુસાર એમાં રાહત મળી શકે.
કલમ 80Cમાં ફેરફારથી ટેક્સપેયર્સની ટેક્સની યોગ્ય આવક ઓછી થઈ જાય છે, જેનાથી તેમને સીધો લાભ મળે છે. છેલ્લાં 10 વર્ષોમાં વધતા ખર્ચ અને વધતા પગાર છતાં 80Cમાં કોઈ ફેરફાર નથી થયો. એનાથી અનેક ટેક્સપેયર્સે ટેક્સ બચાવવા માટે આ કલમ હેઠળ મર્યાદા વધારવાની માગ કરી છે.
બજેટ 2025થી અપેક્ષા?
નાણાપ્રધાન પહેલી ફેબ્રુઆરી, 2025એ બજેટ રજૂ કરશે. ટેક્સપેયર્સને અપેક્ષા છે કે નાણાપ્રધાન 80Cની મર્યાદાને વધારીને રૂ. ત્રણ લાખ કરશે, જેનાથી તેમને મૂડીરોકાણ અને બચતમાં વધુ છૂટ મળશે. જો આવું થશે તો સરકાર તરફથી ટેક્સપેયર્સ માટે એક મોટી રાહત સાબિત થશે.